હૈદરાબાદ, તા. 14 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે
રમાયેલી શ્રેણીની ચોથી ટી-20 મેચમાં કેરેબિયન
ટીમે ભારતને હરાવીને શ્રેણી 2-2થી બરોબરી
પર લાવી દીધી છે. પ્રવાસીઓએ શાઈ હોપની દમદાર સદી (50 દડામાં 102 રન અણનમ)ની
મદદથી 247 રન કર્યા હતા, જેની સામે ભારતીય ટીમ 19.4 ઓવરમાં 223 રને ઓલઆઉટ થઈ હતી. હોપ બાદ
બોલિંગમાં વિન્ડિઝ તરફથી કીમો પોલ ત્રાટક્યો હતો અને 41 રનમાં મહત્ત્વની પાંચ વિકેટ
લઈને ભારતને લક્ષ્ય સુધી પહોંચતા રોક્યું હતું, હવે 17મી ઓક્ટોબરે
બેંગલોરમાં અંતિમ અને નિર્ણાયક ટી-20 મેચ રમાશે, જેમાં
જીત મેળવીને શ્રેણી કબજે કરવા માટે બન્ને ટીમ તનતોડ મહેનત કરતી જોવા મળશે. શરૂઆતમાં સંજૂ સેમસને ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી
અને માત્ર ચાર ઓવરમાં સ્કોર 60 રને પહોંચાડી દીધો હતો. સેમસન 23 બોલમાં ચાર છગ્ગા સાથે 56 રન કરીને આઉટ થયો હતો. બાદમાં
ઈશાન કિશન પણ પાંચમી ઓવરમાં માત્ર છ રને પરત ફર્યો હતો. શ્રેયસ અય્યર 97ના
કુલ સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન અભિષેક શર્મા અને તિલક વર્માએ
બાજી સંભાળવાની કોશિશ કરી હતી. જો કે, અભિષેક 24 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. નમન
ધીર પહેલા જ બોલે આઉટ થઈ જતા ભારતને વધુ એક ઝટકો લાગ્યો હતો. જ્યારે તિલક વર્મા 17મી ઓવરમાં છઠ્ઠી વિકેટના રૂપમાં પરત ફરી
જતાં ભારતની આશા ઉપર પાણી ફર્યું હતું. 25 દડામાં 43 રન કરનારા
તિલક બાદ નિતિશ કુમાર 20 બોલમાં ચાર
છગ્ગા સાથે 41 રન કરીને આઉટ થયો હતો. મેચમાં
અક્ષર પટેલની વિકેટ સાથે કીમો પોલે પાંચ વિકેટ પુરી કરી હતી. તેણે 19મી ઓવરમાં જ કુલ ત્રણ શિકાર કર્યા હતા.
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બેટિંગની શરૂઆત કરતા વિન્ડિઝ તરફથી
ઇ-ફોર્મ કેપ્ટન શાઈ હોપે કોહરામ મચાવ્યો હતો. તાબડતોડ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં શાનદાર સદી પુરી કરી
હતી અને અંત સુધી અણનમ રહીને 102 રનની તોફાની
ઈનિંગ્સ રમી હતી. શાઇએ ગતિશીલ રમત રમતાં ચાર ચોગ્ગા,
નવ છગ્ગા ફટકાર્યા હતા. વિન્ડિઝની ધમાકેદાર શરૂઆત કરાવતાં માત્ર આઠ ઓવરમાં
જ સ્કોર 110 રને પહોંચાડી
દીધો હતો. ભારતને પહેલી સફળતા અક્ષર પટેલે જ્વેલ એન્ડ્રૂના રૂપમાં અપાવી હતી. બાદમાં
નવમી ઓવરમાં પ્રિન્સ યાદવે શિમરોન હેટમાયરને આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં 33 રન કર્યા હતા. ત્રીજી સફળતા
અર્શદીપને મળી હતી, જેણે ખતરનાક
બની રહેલા રોવમેન પોવેલને 24 રને આઉટ કર્યો હતો. આ ઝટકા છતાં શાઈ હોપે એક છેડો સાચવી રાખ્યો
હતો. હેટમાયર અને શેરફેન રૂધરફોર્ડ વચ્ચે 91 રનની ભાગીદારી થઈ હતી. હોપે 50 બોલમાં 102 રન કર્યા
હતા, જ્યારે રૂધરફોર્ડે 26 બોલમાં 49 રન કર્યા હતા.