ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા નખત્રાણા), તા. 14 : નવરાત્રિનાં નવલાં નોરતાં શરૂ થઈ રહ્યાં છે, આજના સમયમાં આધુનિક ઢબે નવરાત્રિ ઊજવવામાં આવે
છે, મોટા ઝાકઝમાળ કે પ્રિ-નવરાત્રિ યોજાઈ રહી છે, પણ પહેલાંના જમાનામાં માતાજીની આરતી બાદ ધાર્મિક, સામાજિક
અને ઐતિહાસિક નાટકો ભજવાતા, જેમાં ગામના તમામ વર્ણના યુવાનો નાટકમાં
પાત્ર યોગ્યતા પ્રમાણે ભજવતા અને ગામડાંઓમાં નવરાત્રિની રાત્રિ નાટકોના હોંકારા-પડકારાથી
ગાજતી હતી. નખત્રાણા તાલુકો નવરાત્રિમાં નાટકોના પોકેટ તરીકે ઓળખાય છે, નવરાત્રિના દિવસોમાં આ તાલુકાના મોટી વિરાણી, નેત્રા,
રસલિયા ખોંભડી, ખીરસરા (નેત્રા), ઉગેડી, વિગોડી, વેરસલપર સહિતનાં
ગામોમાં પરંપરાગત રીતે નાટકો ભજવીને ઉજવણી કરાતી હતી. મોટી વિરાણીમાં વીર માંગળાવારો,
વડીલોના વાંકે, સો ટચનું સોનું, જય ચિત્તોડ, માલવપતિ મુંજ, સંપત્તિ
માટે જેવા નાટકો ભજવાતાં હતાં તેવું હાસ્યનું પાત્ર નટવરલાલ ભજવતા પોપટભાઈ રૂડાણીએ
કચ્છમિત્રને કહ્યંy હતું. નેત્રામાં
ભજવાતાં નાટકોના સંસ્મરણોને વગોળતા નેત્રાના રવિલાલ ધારશી સેજપાલે કહ્યું હતું કે, નેત્રામાં ભજવાતાં નાટકો પૈકી દાનેશ્વરી કર્ણ
યાને શેઠ સગાળશા, માલવપતિ મુંજ, વીર જશરાજ
આહિંના પ્રખ્યાત નાટકો હતા, વીર જશરાજ નાટક દરમિયાન કલાકાર બાબુભાઇ
કારિયા ઘોડા પર એન્ટ્રી કરતા જે લોકોમાં અદકેરું સ્થાન ધરાવતા, નેત્રા લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ કાનજીભાઇ ગંગારામ સેજપાલ જુના યુગના જુના
સ્મરણોને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી લગભગ 100 વર્ષથી વધુ સમય પહેલાં અહીં
લોહાણા સમાજ દ્વારા નાટકોની શરૂઆત કરાઇ હતી, અમે વીર જશરાજ યાને અધૂરા લગ્ન, અબડો અડબંગ, રામ રાજ્ય, મહારથી કર્ણ, રા'નવઘણ, સત્યના પગલે તથા સમ્રાટ હર્ષ, જેવા વિવિધ નાટકો દ્વારા ગામલોકોને મનોરંજન પૂરું પાડતા હતા. તો રતનશી પચાણ
જાદવાણી ગઢવીના પાત્રને પૂરતો ન્યાય આપતા, હીરાલાલ જેરામ જાદવાણી
પણ સહયોગ કરતા અને પાત્ર ભજવતા, ખોંભડી મોટીનું પાંજો કચ્છ,
આમારાનું જામ અબડો, વિરાણી મોટીનું વડીલોના વાંકે,
રસલિયાનું વીર રામવાળો, કાદિયા નાનાનું સતી દ્રૌપદી,
ટોડિયાનું સો ટચનું સોનું વખણાતા હતા. ખીરસરા (નેત્રા)માં જામ અબડો નાટક
ખૂબ લોકપ્રિય હતું, આજથી સાત દાયકા પહેલાં જામ અબડો, રણગર્જના, ગરીબ કન્યા, જય ચિત્તોડ,
ઝાંસી કી રાની, જેવા નાટકો ગાંગજી કુળધર જોષી દ્વારા
તૈયાર કરવામાં આવ્યા હતા, લાભશંકરભાઈ સંગીત એવુ તે તૈયાર કરતા
કે મન પર એક છાપ રહી જતી, નાટકમાં પચાણ માવજી, નાનજી લખુ, નાનજી મનજી, સોમજી પ્રેમજી
હાસ્યરસ રજૂ કરતા, કરશન માવજી, ખીમજી લાલજી,
જીવરાજ નારાણ સ્ત્રી પાત્રોને ન્યાય આપતા, હરજી
હંસરાજ, મુળજી હંસરાજ વગેરે પુરૂષ પાત્ર ભજવતા આમ ગ્રામ વિસ્તારોમાં
જે તે વખતે રોનક રહેતી જેની આજે કલ્પના માત્ર કરી શકાય.