ખાવડા (તા. ભુજ), તા. 14 : સેવા સંકલ્પ
અંતર્ગત `કચેરી કર્મચારીઓના દ્વારે'
ખાવડા મુકામે કેમ્પ યોજી 200 જેટલા શિક્ષકની સેવાકીય બાબતોનો
નિકાલ કરાયો હતો, તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી ભુજ દ્વારા પડતર રહેલી કામગીરી નિકાલની કાર્યવાહીને સંગઠને બિરદાવી હતી.
ભુજ તાલુકા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે અંતરિયાળ વિસ્તાર એવા ખાવડા,
ભીરંડિયારા, તુગા, લુડિયા,
ધ્રોબાણા, ખારી, દિનારા વિસ્તારના
200 જેટલા શિક્ષકો માટે સેવા કેમ્પ
યોજી ખાવડા મુકામે સ્થળ પર સેવાકીય બાબતોનો નિકાલ કરાયો હતો. ભુજ તાલુકા ના પ્રાથમિક
શિક્ષણાધિકારી નીલેશ ગોરે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા પ્રાથમિક
શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને પોતાની સેવાકીય બાબતો માટે ભુજ
સુધી આવવું ન પડે તેમજ તેમના સેવાકીય કામગીરી
ઝડપી થાય તેવા આશયથી કચેરી શિક્ષકોના દ્વારે નવતર અભિગમ હેઠળ અંતરિયાળ એવા બન્ની પચ્છમ
વિસ્તારના શિક્ષકોના સેવાકીય પ્રશ્નો રજા, ઈજાફા, સેવાકીય નોંધો, ડુપ્લીકેટ સર્વિસ બુક બનાવવી અને પ્રમાણિત
વગેરે બાબતોનો સ્થળ પર જ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. એક જ દિવસમાં સેવાકીય પ્રશ્નોના
નિકાલ બદલ શિક્ષક સંગઠનના હોદેદારો નયનાસિંહ જાડેજા તથા ઘનશ્યામાસિંહ જાડેજાએ આ હકારાત્મક
કામગીરીને બિરદાવી હતી. આ કામગીરીમાં કચેરીના
મયંકભાઇ પરમાર, હિતેષભાઇ મહેશ્વરી તથા રશ્મિન પટેલ જોડાયા હતા,
જ્યારે વ્યવસ્થામાં ખાવડા ગ્રુપ શાળાના આચાર્ય અરાવિંદભાઈ રાઠોડ,રાશિદભાઈ સમા, જયભાઈ ચનિયારા સહિતના સહયોગી રહ્યા હતા.