ભુજ, તા. 7 : પોતાની 18 જેટલી માગણીઓને લઇ સમગ્ર રાજ્યની
સાથે કચ્છમાં પણ હડતાળ પર ઉતરેલા મહેસૂલી કર્મચારીઓના કારણે કચ્છના સેંકડો અરજદારોના
રોજિંદા કાર્યો ઠપ્પ થઇ ગયા છે. જુદા-જુદા પ્રકારની ઓનલાઇન નોંધો જે પાડવામાં આવે છે
એવી દૈનિકની 500 નોંધો અટકી જતાં કામગીરીને
મોટી અસર પહોંચી છે. મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હરેશ જોષીનો સંપર્ક સાધતાં તેમણે
જણાવ્યું હતું કે, કચ્છમાં મહેસૂલી
નાયબ મામલતદારથી માંડી કારકૂન, મહેસૂલી તલાટીઓ વગેરે તમામ કર્મચારીઓ
અત્યારે હડતાળમાં જોડાયેલા છે. આજે સવારે કલેક્ટર કચેરી સામે ધરણા, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓના ક્યા પ્રશ્નો ઉકેલવાના બાકી
છે, તેની સામે શ્રી જોષીએ કહ્યું કે, રેવન્યુ
તલાટીઓના જોબ ચાર્ટમાં સુધારો કરવામાં આવતો નથી. 2012ના નાયબ મામલતદારોને બઢતી અપાતી
નથી. ટી.ડી.ઓ.ને મળી ગઇ પરંતુ રેવન્યુ વિભાગના કર્મચારીઓને બઢતીના કિસ્સામાં અન્યાય
થતો હોવાનું તેમણે જણાવ્યું હતું. કારકૂન કક્ષાના કર્મચારીઓને બઢતી અપાયા બાદ જિલ્લા
બહાર બદલીઓ કરી દેવામાં આવી છે. હકીકતમાં કચ્છમાં જગ્યાઓ ખાલી હતી, છતાં અહીં જગ્યા ભરવાને બદલે બહારથી લાવવામાં
આવ્યા છે. ઇ-ધરાના કામોમાં વારંવાર ઓ.ટી.પી.ના કારણે નોંધો પાડવામાં સમયનો વેડફાટ થાય
છે, જેના કારણે કામ વધી જાય છે, તેથી કર્મચારીઓ
પર કામનું ભારણ ઘટાડવા વારંવાર દબાણ કરવામાં આવે છે અને ઇ-ધરાની લાંબી પ્રક્રિયા થઇ
ગઇ છે, તેમાં સરળ વ્યવસ્થા ગોઠવવામાં અનુરોધ કરાયો હતો. જિલ્લા
બહાર બદલવું હોય તો કચ્છના કલેક્ટર એન.ઓ.સી.
આપતા નથી, જ્યારે રાજ્યમાંથી એન.ઓ.સી.માં લાવવા જણાવવામાં આવે
છે, જેના કારણે વર્ષોથી વતનમાં જવાનો લાભ મળતો નથી. હડતાળના કારણે
કચ્છમાં દૈનિક 500 જેટલી ઇ-ધરાની
નોંધો અટકી ગઇ છે. વળી આવકના દાખલા પણ મળી શકતા નથી. રોજ-બરોજ 7/12 વગેરેના ઉતારા માટે આવતા અરજદારોને
પરત જવું પડે છે. મતદાર યાદીનું કામ બંધ પડી ગયું છે. મહેસૂલી કર્મચારીઓ દ્વારા થતી
રોજિંદી કામગીરી બંધ થતાં સ્વભાવિકે અરજદારોના પ્રશ્નો પણ હલ થતા નથી અને કર્મચારીઓ
અત્યારે માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પમાં સેવા કરીને અનોખો વિરોધ પ્રદર્શન
કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. બીજી બાજુ હડતાળના કારણે ભુજ ખાતેની કલેક્ટર
કચેરીથી માંડી તમામ પ્રાંત ઓફિસ કે તાલુકા મામલતદાર કચેરીમાં પણ ખાલીપો અને સન્નાટો
જોવા મળે છે. દરમ્યાન કલેક્ટર અનિલ રાણાવાસિયાને કામગીરી અંગે પૂછતાં તેમણે કબૂલ્યું
કે, કામને અસર પહોંચી છે. અમે ઓછી તકલીફ થાય તેવા
પ્રયાસો કરીએ છીએ.