• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

એશિયન ગેમ્સમાં શાનદાર દેખાવે જગાવી ઊંચી અપેક્ષા

જાપાનના નાગોયામાં સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડયો છે. 21 સુવર્ણચંદ્રક સહિત 88 મેડલ સાથે ભારતે ગૌરવભર્યું ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ખેલાડીઓના કૌશલથી જીતેલા ચંદ્રકોની ચમક તળે મોટો સવાલ સામે આવતો રહ્યો છે.  રમતવીરોને વધુ કાબેલ બનાવવામાં સહાયભૂત થવા રમતગમત ક્ષેત્રે સરકારી ખર્ચમાં વધારો કરવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય પાકી ગયો છે. રમતવીરોએ પોતાનું સામર્થ્ય બતાવી આપ્યું. એનો પ્રતિસાદ રમતગમત સંસ્કૃતિ વિકસાવવાનો જ હોઇ શકે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. મેન્સ-વિમેન્સ બંને ટીમ શાનદાર રમત સાથે સુવર્ણચંદ્રક જીતે એ મોટી વાત છે. એ જ રીતે ક્રિકેટ, કબડ્ડી જેવી ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડન સફળતા મળી. નિશાનબાજી, બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં કે બોક્સિંગમાં ધાર્યો દેખાવ થયો હોત તો પોઇન્ટ ટેબલમાં ભારતનું સ્થાન વધુ ઊંચું હોત. એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ઠ દેખાવથી દેશ આખામાં અનોખો ઉત્સાહ જાગ્યો છે. આમાં કોઈ શંકા નથી કે, છેલ્લા થોડા વર્ષોથી દેશમાં રમતગમત માટેની વ્યવસ્થા સુધરી રહી હોવાને લીધે ખેલાડીઓને પહેલાંથી વધુ પ્રમાણમાં તાલીમ માટે વધુ સારા માળખાંની ઉપલબ્ધી કરાવાઈ રહી છે. સરકારે રમતગમત માટેના બજેટમાં જે રીતે ફેરફાર કર્યો છે, તેનાથી માળખાકીય સુવિધાઓ સુધરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. વર્ષ 2026માં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય માટે 4,479.88 કરોડની ફાળવણી કરાઈ છે. જે તેના આગળના વર્ષ કરતાં 3346 કરોડ જેટલી વધુ રહી છે. કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા અને રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને સહાયતા માટે આગલાં પાંચ વર્ષ દરમ્યાન નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક સહયોગની જોગવાઈ કરી છે. સાથોસાથ એશિયન રમતોની તૈયારી માટે ખેલાડીઓને તાલીમ આપવા અને અન્ય સ્પર્ધાઓ માટે 800 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો, પણ ભારતની વિશાળ વસ્તી અને યુવાનોમાં રમતગમતમાં આગળ વધવાની પ્રબળ બની રહેલી ઈચ્છાને જોતાં આ રકમ હજી ઓઁછી જણાય છે. દેશના કરોડો બાળકો અને યુવાનો રમતગમતમાં તાલીમબદ્ધ થાય એ માટે પૂરતાં પ્રમાણમાં મેદાનો, પ્રશિક્ષકો અને સાધન સામગ્રીની સતત ઓછપ વર્તાતી રહી છે. વક્રતા એ છે કે, ભારતમાં ક્રિકેટ અને હોકી ઉપરાંત આંગળીના વેઢે ગણી શકાય તેવી રમતોમાં જે ખેલાડીઓ વ્યાવસાયિક ધોરણે આવક મેળવી શકે છે. બાકી રમતો માત્ર શોખ પૂરા કરવા પૂરતી મર્યાદિત રહી જાય છે. ખેલાડીઓને તેમના રસની આ રમતો રમવાથી માંડીને તાલીમ અને સાધનો પાછળ પોતાના ખર્ચે જ વ્યવસ્થા ગોઠવવી પડે છે. આ ઉપરાંત સ્ટાર અને જાણીતા ખેલાડીઓ ઉપરાંત છેક અંતરિયાળ વિસ્તારના રમતવીરોને ઓળખીને તેમને રાષ્ટ્રીય પ્રવાહમાં લાવવા પર હવે વધુ ધ્યાન આપવાની જરૂરત છે.  આવી ગુમનામ પ્રતિભાઓને મદદ કરવા હવે ખરા અર્થમાં સરકાર અને સંલગ્ન સંસ્થાઓએ સક્રિય થવાની જરૂરત છે. આનો તાજો દાખલો કુસ્તી અને તિરંદાજી જેવી રમતોમાં સફળ થઈ રહેલા અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓનો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સમાપન થયેલી એશિયન ગેમ્સના આયોજનમાં ભારતે ગઈ ગેમ્સની સરખામણીએ ભલે ઓછા ચંદ્રક મેળવ્યા છે, પણ ગેમ્સમાં ચોથું સ્થાન મેળવીને દેશભરમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. સરકારે લોકોના આ ઉત્સાહને રમતગમતના પ્રચાર-પ્રસાર માટે વાળવા પર હવે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 2030માં ભારતમાં ઘરઆંગણે કોમનવેલ્થ ગેમ્સ રમાશે. અમદાવાદ નિશ્ચિત છે. એ પહેલાં પૂરતી તૈયારી કરવી પડશે. એક ધ્યાનાકર્ષક વાત એ છે કે, ગ્રામીણ-શહેરી સ્તરે સરકાર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતાં નાણાં ફાળવે છે એ ખરું, પરંતુ ઉપયોગ વિના-મેઇન્ટેનન્સ વિના સ્પોર્ટસ સંકુલ ખંડેર બની જાય છે. સરકારના ઊંચા લક્ષ્યાંકો અને ઇરાદા પાયાના સ્તર સુધી પ્રતિબિંબિત થવા જોઇએ. એ વિના ચીન, જાપાન, કોરિયા કે યુએસ જેવી સફળતા આપણા માટે મુશ્કેલ જ રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd