નવી દિલ્હી, તા. 7 : એલન મસ્કની
કંપની સ્પેસએકસની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા `સ્ટારલિંક' ભારતમાં
ટૂંક સમયમાં પ્રવેશ કરશે. કંપનીએ કહ્યું હતું કે, તેણે સેવા ચાલુ
કરવા માટે જરૂરી જમીની સ્તરનાં માળખાંનું કામ પૂરું કરી લીધું છે. `સ્ટારલિંક'ને છેલ્લી નિયમનકારી મંજૂરી મળવાની બાકી છે.
આ કંપનીએ આખા દેશમાં 20 ગેટવે સાઇટ
બનાવી છે. આ ગેટવે એટલે જમીન પર બનેલા સ્ટેશન છે જે અવકાશમાં રહેલા સ્ટારલિંકના ઉપગ્રહને
જમીની સ્તરે ઊભા કરાયેલા ઇન્ટરનેટ નેટવર્કને જોડે છે. આ માટે સેંકડો ટાવર ઊભા કરાયા
છે, જેનાથી ઇન્ટરનેટ સિગ્નલ કોઇપણ વિક્ષેપ વિના
મળી રહેશે. કંપની ભારતમાં મોટાપાયે નેટવર્ક વિસ્તારવા માટે રિલાયન્સ જિઓ અને ભારતી
એરટેલ સાથે સહમતી પત્ર પર હસ્તાક્ષર કરી ચૂકી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મેઘાલય સરકાર સાથે સ્થાનિકે સેવા પ્રદાન કરવા કંપનીએ કરાર પર સહી
કરી હતી.