• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

લ્યો કરો વાત... સૂરજપર ક્રિકેટ મેદાનની ડીપી ચોરાઇ

કેરા (તા. ભુજ), તા. 7 : તાંબાની ચોરીના ઇરાદે તસ્કરો હવે વિદ્યુત ટ્રાન્સમિશનને છોડતા ન હોવાની ઘટના ચોવીસીના સૂરજપર ગામે બની છે. અહીં દોઢ મહિના પહેલાં ચોરાયેલી ડી.પી. આજદિન સુધી ન ચડાવાતાં નારાજગી ફેલાઇ છે. તા. 7-8ના આ ડી.પી. ચોરાયાની હરિ સ્પોર્ટસ ગ્રાઉન્ડ વતી મનજી મેઘજી હાલાઇએ માનકૂવા પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ હતી જેની જાણ દહીંસરા સબ ડિવિઝનને પણ કરાઇ હતી. તેમાં જણાવ્યાનુસાર ડી.પી.નો લોખંડનો ભાગ ત્યાં જ છોડી ગયેલા તસ્કરો અંદરના વાયર અને તાંબાનો ભાગ કાઢી ગયા હતા. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં સબમર્શિબલ મોટરના કેબલ પણ વારંવાર ચોરાયા હતા. તે સબબ દહીંસરાના અગ્રણી કિશોરભાઇ પિંડોરિયાએ  `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, માથાંનો દુ:ખાવો થઇ પડતી આ તસ્કરી કૃષકોને ભારે મુશ્કેલીમાં મૂકી રહી છે. દરમ્યાન સૂરજપરના ખેલપ્રેમી યુવા જાદુભાઇ વેકરિયાએ વિગતો ઉમેરતાં કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં પણ ડી.પી. ચોરાઇ હતી. છ મહિનામાં આ ફરીવાર નિશાન બની છે. ચોરીની તપાસ દહીંસરાના જવાબદારો કરી ગયા છે, પણ નવી નખાઇ નથી. અહીંના મેદાનમાં રાત્રિપ્રકાશ ટૂર્નામેન્ટ રમાતી રહે છે. તેથી તાત્કાલિક નવી  નાખવા રજૂઆત કરાઇ હતી. અહીં વોલીબોલની લાઇટો પણ ચોરાતી હોય છે. ઝાડને નુકસાન કરવાની પ્રવૃત્તિ વકરી છે. દરમ્યાન જાગૃત્ત લોકો કહી રહ્યા છે કે મેદાન ઉપર સીસીટીવી કેમેરા એકમાત્ર ઉપાય છે. સૂરજપરનું મેદાન ચોવીસીના યુવક-યુવતીઓ માટે રમતગમતની પ્રવૃત્તિઓ માટે ઉપયોગી છે. અનેક યુવા અહીં રમવા આવે છે અને સંસ્થા દ્વારા નોંધપાત્ર સહયોગ અપાય છે. આવી સેવાભાવી સંસ્થાની ધા સાંભળનાર હાલ કોઇ નથી તેવી  છાપ ઊપસતાં ગામમાં નારાજગી ફેલાઇ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd