નલિયા, તા. 7 : અબડાસા તાલુકામાં અને ખાસ કરીને
કોઠારા પંથકમાં ખેડૂતોએ ચાલુ સાલે સારા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં
નહિવત વરસાદ વચ્ચે ખેડૂતોએ મહામહેનતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો છે ત્યારે
જ હાલમાં પડેલા વરસાદના કારણે કપાસમાં `સુકારો' જોવા
મળી રહ્યો છે. રોગના કારણે છોડના પાંદડા પીળા પડી ગયા છે અને ફાલ પણ સાવ નહિવત થઈ ગયો
છે. આ અંગે ખીરસરા (કોઠારા)ના ખેડૂત કરણાસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળીની આસપાસ કપાસના કાલાં ફૂટતાં પ્રથમ વીણી શરૂ થતી હોય છે,
પરંતુ આ વર્ષે સુકારાના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળશે. જેથી
ખેડૂતોની મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાતાં ધરતીપુત્રો
ભારે ચિંતામાં મુકાયા છે.