નવી દિલ્હી, તા. 7 : વૈશ્વિક નેતાઓએ
જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના રાજકીય નેતૃત્વ, ભારતના વિકાસમાં તેમના યોગદાન તેમજ વૈશ્વિક
મંચ પર દેશનું સ્થાન મજબૂત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી, તો ભુતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ પીએમ નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ
ગણાવીને તેમને ભગવાન વિષ્ણુના અંતિમ કલ્કિ અવતાર કહ્યા હતા. શેરિંગ તોબગેએ સરકારના
પ્રમુખ તરીકે વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકે 2પ વર્ષની શાસન સિદ્ધિની પ્રશંસા કરતાં કહ્યું
હતું કે, મોદીના નેતૃત્વમાં પાડોશી દેશો સાથે ભારતનું
જોડાણ મહત્ત્વની પ્રાથમિકતા રહી છે. તેમણે ગ્લોબલ સાઉથનાં અવાજને બુલંદ કરવા અને આફ્રિકી
યુનિયનને જી-20માં સ્થાયી
સદસ્ય તરીકે સામેલ કરવામાં વડાપ્રધાન મોદીની ભૂમિકાનાં વખાણ પણ કર્યા હતાં. તેમણે કહ્યું
હતું કે, હવે તો મને એ પણ ખ્યાલ છે કે, તેઓ ક્યો અવતાર છે. વિષ્ણુના આખરી અવતાર, જે અવ્યવસ્થાને
દૂર કરીને ધર્મને સ્થાપવા અને નવી શરૂઆત સાથે જોડાયેલો અવતાર છે. એટલે કે, કલ્કિ અવતાર! જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા
અને ભારતના વિકાસ તથા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેના મોભામાં તેમના યોગદાનની પ્રશંસા
કરી હતી. નાઈઝીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ જણાવ્યું હતું કે, ફેડરલ રિપબ્લિક ઓફ નાઈઝીરિયાની સરકાર અને જનતા વતી, તેમજ
મારી પોતાની વતી, હું રિપબ્લિક ઓફ ઈન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર
મોદીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવું છું. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે ભારતના
લોકોની સેવા કરવામાં મોદીને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી. બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ
ડુમા ગિડિયન બોકોએ પણ સરકારનું નેતૃત્વ કરવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ મોદીને
અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે ભારતના લોકો પ્રત્યેની તમારી નિષ્ઠા અને સેવાને બિરદાવીએ છીએ. કોમનવેલ્થ
ઓફ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે મોદીને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે,
ડોમિનિકા પ્રત્યે તમે જે મિત્રતા દર્શાવી છે અને અમારા લોકો પ્રત્યે
જે ઉદારતા દાખવી છે, તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરવા માગું
છું.