અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં
ફરી એક વખત સંવેદનશીલ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો
છે. ખાલિસ્તાની નેશનલ આર્મીના નામે ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવતા
પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ તથા ડોગ સ્ક્વોડની ટીમો દોડતી થઈ હતી. અમદાવાદમાં નરેન્દ્ર
મોદી સ્ટેડિયમમાં આગામી મહિને યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટને નિશાન બનાવીને બોમ્બ
બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદની 10 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી
દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી હતી. જ્યારે દાણાપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની કચેરી, ગુજરાત હાઈકોર્ટ
સહિતના સંવેદનશીલ સ્થળોએ પણ વધુ એક વખત બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી.
ધમકીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તમામ સ્થળે સઘન ચાકિંગ હાથ ધરાયું હતું.
સદનસીબે કંઈજ સંદિગ્ધ વસ્તુ મળી નહતી. અમદાવાદના
મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.30 લાખથી વધુ પ્રેક્ષકોની છે.
આ સ્ટેડિયમમાં 21 નવેમ્બરે પંજાબી કલાકાર દિલજીત
દોસાંજનો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાવાનો છે. આ શોમાં બોમ્બ ધડાકા કરવાની ધમકી ઈ-મેઇલમાં
ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ લખીને મેઇલ કરવામાં
આવ્યો છે. જેમાં અમદાવાદની સ્કૂલોને 11:11 વાગ્યે ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અને 1 નવેમ્બરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, દિલ્હી કે જ્યાં દિલજીત દોસાંજના કોન્સર્ટનો
ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી. એએમસીની કચેરીમાં 1.11 વાગ્યે બોમ્બ ધડાકા કરવાનો
પણ ઉલ્લેખ કરાયો હતો. સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટના મેઇલની વિગતો માધ્યમોમાં પ્રસારિત
થતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાલીઓ તાત્કાલિક તેમના બાળકોને ઘરે લઈ જવા શાળા
સંચાલકોએ સૂચના આપી દીધી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. વેજલપુરની ઝાયડસ
સ્કૂલ ઓફ એક્સેલન્સ, સેટેલાઈટ સ્થિત
બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, એસજીવીપી સ્કૂલ છારોડી, સંત કબીર સ્કૂલ, થલતેજની એશિયા સ્કૂલ, મેમનગરમાં આવેલી એચ. બી કાપડિયા સ્કૂલ, મીઠાખળીની મહાત્મા
ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ અને બોપલની ડીપીએસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.