• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

શ્રદ્ધાનું ઘોડાપૂર : સલામતી અને સ્વચ્છતા ન ભૂલજો

નૈઋઍત્ય ચોમાસું અધકચરી મહેર વરસાવીને વિદાય લઈ ગયું છે. નદી, નાળાં, વોકળા ઉપરછલ્લાં વહેણ પછી સૂના બની રહ્યા છે, પણ કચ્છના અને કચ્છ તરફ આવતા માર્ગો પર માઈભક્તોનું ઘોડાપૂર શરૂ થઈ ગયું છે. કુદરતની કૃપા મેળવવા માટે ઈશ્વરનો આશરો હોય છે. દેશ-દેશાવરમાં વસતા શ્રદ્ધાળુઓ કચ્છની કુળદેવીના દરબારમાં શીશ નમાવીને પ્રાર્થે છે કે, વરસ આખું ઓછી કઠણાઈ સાથે સુખરૂપ વીતાવી દેજો. આસો નોરતાં તો રવિવાર તા. 11થી બેસશે. કચ્છમાં શ્રાદ્ધપક્ષના પાછોતરા દિવસોથી જ રસ્તા જયમાતાજીના ઘોષથી ગાજવા લાગે છે. મઢ તરફ પદયાત્રીઓનો પ્રવાહ અવિરત છે અને હજારો લોકો દર્શન કરી ચૂક્યાં છે. સૂરજબારીથી વાગડ, પૂર્વ કે પશ્ચિમ કચ્છથી ભુજ તરફ અને તેની આગળ માતાના મઢ ભણી રસ્તા પર સેંકડો સેવા કેમ્પો ધમધમવા લાગ્યા છે. આ પદયાત્રા કચ્છની ધાર્મિક સંસ્કૃતિ સાથે વણાઈ ગઈ છે. કેમ્પોમાં દવા, પાટાપીંડી, ચંપી-માલિશ જેવી સેવાથી માંડીને ભાવતાં ભોજન, ફળો પીરસવામાં આવે છે. આ પણ એક રીતની સેવા છે. અપાર કષ્ટ વેઠીને પગપાળા જતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે એની દરકાર લેવામાં કચ્છી ખડેપગે રહે છે. માતાજીની ભક્તિ સાથે પદયાત્રીઓની સલામતી  અને સ્વચ્છતાનો ગંભીર મુદ્દો જોડાયેલો છે. બે દિવસ પહેલાં સૂરજબારી ચેકપોસ્ટ નજીક ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓને ટ્રકે હડફેટે લેતાં એક શ્રદ્ધાળુનું સ્થળ પર મોત થયું અને ત્રણ પરિવારજનો ઈજાગ્રસ્ત થયા, ઔદ્યોગિકીકરણ પછી કચ્છના માર્ગો ચોવીસ કલાક ટ્રાફિકથી ભરચક રહે છે. મહાકાય ટ્રેઈલર, ટ્રક, ખનિજ-નમક કન્ટેનર, પવનચક્કીના પુરજાનું વહન કરતાં અસાધારણ વિશાળકદનાં વાહનો સામાન્ય દિવસોમાંય અકસ્માત માટે નિમિત્ત બનતાં હોય છે. પદયાત્રીઓ માટે આ જોખમને ધ્યાને લઈને ખાસ ટ્રાફિક નિયમન થવું જોઈએ. વળી પદયાત્રીઓ અને સેવા કેમ્પો તથા રસ્તા પર વાહનમાં હરતા -ફરતા સેવાભાવીઓએ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું હિતાવહ છે. કચ્છના સંસદ સભ્ય અને સત્તાધીશોએ પણ આ જ અનુરોધ કર્યો છે. ભૂતકાળમાં પદયાત્રા દરમ્યાન કેટલાય  ગંભીર અકસ્માતો થયા છે. નવરાત્રિ આનંદ, ઉલ્લાસ અને ભક્તિનું પર્વ છે. તકેદારી-સાવધાની રાખીશું તો શોકની કાલિમાને દૂર રાખી શકાશે એ રખે ભુલાતું. પદયાત્રીઓ રેડિયમ પટ્ટી, બ્રાઇટ રંગના વત્રો ધારણ કરે એ સલાહભર્યું છે, સુરક્ષાની બાબતમાં જાગૃતિ લાવવાની સાથે સ્વચ્છતા માટે પણ અતિ ધ્યાન આપવું રહ્યું. ઘણા કેમ્પમાં ડસ્ટબિનથી લઇને કચરો નિયત સ્થળે એકત્ર કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે, જે ખૂબ સારી વાત છે, તેમ છતાં રસ્તામાં યાત્રિકોને વિતરણ કરાતા પાણીના પાઉચ, બોટલો, ઠંડાપીણાંની બોટલો, સ્ટ્રો, ગ્લાસ એમને એમ ફેંકી દેવાતાં ગંદકી અને પ્રદૂષણ ફેલાય છે. શ્રદ્ધાળુઓને એટલું જ કહેવાનું કે, મા આશાપુરાની આરાધના-ભક્તિ જેટલું જ મહત્ત્વ પ્રકૃતિ, ધરતીમાતા, પર્યાવરણનું છે. વળી સ્વચ્છતા જાળવવી એ જાગૃત નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે. પદયાત્રા હજુ થોડા દિવસ ચાલશે. નવરાત્રિ સુધી માતાના મઢના દર્શનાર્થીઓનો આંકડો લાખોમાં પહોંચતો હોય છે. આ ઉત્સવ હેમખેમ પાર પડે એવો સામૂહિક સંકલ્પ લઇએ. સલામતીનું કામ ભલે તંત્રનું છે, પણ માનવ પ્રવાહ જ્યારે અમર્યાદ બને ત્યારે સૌની જવાબદારી વધી જાય એ સ્વાભાવિક છે. હજુ શ્રાદ્ધ પક્ષ છે. આશ્વિન નવરાત્રિની સૌને આગોતરી શુભેચ્છા. દેશદેવી મા આશાપુરાનો મહિમા ચોમેર ફેલાયેલો છે. મુંબઇ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર-ગુજરાત જેવા કેટકેટલાય વિસ્તારોમાંથી પગપાળા, સાઈકલ, દ્વિચક્રી વાહનોથી દર્શનાર્થી ઊમટતા હોય છે. એ સૌને એટલું જ કહેવું છે કે, આટલા કષ્ટ લઇને આવ્યો છો તો જે કોઇ વ્યસન, રાગદ્વેષ હોય એ માના ચરણોમાં ત્યજી દેજો. પદયાત્રા વ્યસનમુક્તિ માટે પણ પ્રેરક બને તો સોનાંમાં આશાપુરી ધૂપની સુગંધ ભળે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd