ભુજ, તા. 7 : મોરબી બાજુથી બાઈકથી માતાના
મઢ જતા હતા, ત્યારે ગઈકાલે રાતે દેશલપર
ગામે બાઈકને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બાઈકમાં સવાર 13 વર્ષીય માસૂમ સગીરા નિશા શિવાભાઈ
રિબાડિયા (કોળી) ઉપર પિતાની નજર સામે ટ્રકના ટાયર ફરી વળતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું
હતું. બીજી તરફ આજે ભુજના 27 વર્ષીય યુવાન
ઈરફાન દાઉદ સમાએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધી હતો. આજે માનકૂવા પોલીસ મથકે શિવાભાઈ
દલાભાઈ રિબડિયા (કોળી) (રહે. વીરપર, તા. વાંકાનેર, જિ. મોરબી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તે
તથા તેના બનેવી બે બાઈક લઈને પોતાના ગામથી માતાના મઢ દર્શનાર્થે નીકળ્યા હતા. તેમાના
બનેવી દશરથભાઈનાં બાઈક નં. જીજે-36-એક્યુ-0388માં ફરિયાદીની
દીકરી નિશા અને દીકરો નવઘણ બેઠા હતા. ગઈકાલે રાતે દેશલપર પાસે આશિષ હોટલ નજીક પહોંચ્યા
ત્યારે ફુલસ્પીડમાં આવેલી ટ્રક નં. જીજે-12-એક્સ-2584વાળીએ તેમને
ઓવરટેક કરી હતી અને આગળ જતાં બનેવીનાં બાઈકને પાછળથી ટક્કર મારી હતી. બાઈક પાછળ બેઠેલી
તેમની દીકરી નિશા તે ટ્રકના ટાયર તળે તેની નજરની સામે જ અવી ગઈ હતી અને માથાની ખોપડી
ફાટી ગઈ હતી. ટ્રકચાલક ટ્રક મૂકી નાસી છૂટયો હતો. અનેક યાત્રાળુઓ એકત્ર થઈ ગયા હતા
અને 108 મારફત મંગવાણા સરકારી હોસ્પિટલ
ખાતે નિશાને લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કરુણ બનાવથી શ્રમજીવી પરિવાર
પર આભ તૂટી પડયું હતું. યાત્રાળુઓમાં પણ અરેરાટી વ્યાપી હતી. માનકૂવા પોલીસે ટ્રકચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભુજના મુસ્તફાનગર ખાતે રહેતા યુવાન
ઈરફાન સમાએ આજે સવારે 10 વાગ્યાના
અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને જી.કે.
જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.