રાપર, તા. 7 : શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા
અને માર્ગો પરનાં દબાણ અંગે કચ્છમિત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું
હતું. પોલીસ પ્રશાસન દ્વારા નગરપાલિકાના સહયોગથી
શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીર સાવરકર ચોક, બસ સ્ટેશન, સેલારી નાકા,
ભૂતિયા કોઠા, માલીચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને
અડચણરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. પોલીસ અને નગરપાલિકાની
સંયુક્ત કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનો ડીટેઈન કરવા ઉપરાંત એન.સી.
કેસ તથા સ્થળ પર જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.આઇ આર.એલ.
ખટાણાનાં માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના હેડ
કોન્સ્ટેબલ મુકેશાસિંહ રાઠોડ, ટીઆરબી જવાનો ભાવેશ પરમાર,
રવજી સોલંકી, વિજય બગડા સહિત નગરપાલિકાના કર્મચારીઓ
જોડાયા હતા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને અને ફરીથી દબાણો ન સર્જાય તે
માટે આવી કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.