ભુજ, તા. 7 : ભુજોડી બ્રિજ પાસે આવેલી ખાનગી
ચાઇનાકલે ઓફિસના નકૂચા તોડી કબાટમાંથી રોકડા રૂા. 4.60 લાખની તસ્કરી થઇ હતી. સીસીટીવી ચકાસતાં છ ચડ્ડી-બનિયાનધારી મોઢું
ઢાંકેલી હાલતમાં અજાણ્યા ચોર દેખાયા છે. બીજી તરફ લેર ગામે વીજ કંપની જેટકોના 220 કે.વી. સ્ટોરમાંથી રૂા. 84,594ના વાયરની ચોરી થયાની ફરિયાદ
નોંધાઇ છે. ભુજોડી બ્રિજ પાસે આવેલી આશાપુરા ચાઇનાકલે એલ.એલ.પી. કંપનીની ઓફિસના ગત
તા. 6-10ના રાત્રે 2-30 વાગ્યે નકૂચા તોડી તેમાં પ્રવેશ
કરી કબાટના લોક તોડી ખાનામાં રાખેલા રોકડા રૂા. 4,60,000ની છ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કર્યાની ફરિયાદ ગઇકાલે માધાપર પોલીસ
મથકે કંપની મેનેજર નરોત્તમ ડોબરિયાએ નોંધાવી છે. ફરિયાદમાં લખાવાયું હતું કે, કંપનીમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં
ચડ્ડી-બનિયાન પહેરેલા અને મોં ઢાકેલા છ શખ્સો ચોરી કરતા દેખાયા છે. પોલીસે અજાણ્યા
છ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી છાનબીન આદરી છે. બીજી તરફ ગઇકાલે પદ્ધર પોલીસ મથકે,
જેટકોના નાયબ ઇજનેર વૈભવીબેન ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત તા.
17-9ના રાત્રે બે વાગ્યે લેર ગામે
જેટકોના 220 કે.વી.ના સ્ટોર ખાતેથી ખુલ્લા
મૂકેલા ડોગ અને પેન્થર વાયર જેની કુલ્લે કિં. રૂા. 84,594ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.