હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 7 : નવરાત્રિનાં આગમનને હવે ગણતરીના
દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છના
સાજિંદા અને ગાયકો સાથેની ઓરકેસ્ટ્રા પાર્ટીઓ સજ્જ બની પોતાના સંગીતના સૂરો રેલાવવા
બાકિંગ કરી લીધું છે, તો હજુ કેટલાય નવોદિતો બુક થવા થનગની રહ્યા
છે, આજે આપણે વાત કરવી છે પ્રાચીન અને અર્વાચીન નવરાત્રિમાં ઉપયોગમાં
લેવાતા વાજિંત્રોની સફરની. કચ્છમાં આજથી 40-50 વર્ષ અગાઉ નવરાત્રિ દરમ્યાન
ફળિયા સંસ્કૃતિમાં દરેક સ્થળે થતી માતાજીની આરાધાનામાં હાર્મોનિયમ અથવા તો શરણાઈ અને
નોબતનો ઉપયોગ થતો હતો, ત્યારબાદ ધીમેધીમે
આ વાદ્યોની જગ્યા ઈલેક્ટ્રોનિક વાદ્ય કી-બોર્ડ અને ઓક્ટોપેડે લઈ લીધું છે. જો કે,
કચ્છનાં ગામડાંઓમાં યોજાતા રાસ-ગરબા તેમજ ભવાઈ, રામલીલા જેવા કાર્યક્રમમાં આ વાદ્યોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હાર્મોનિયમની વાત કરીએ તો ભુજની પ્રખ્યાત વોકળા
ફળિયાની ગરબીમાં આ વાદ્યનો ઉપયોગ 1975થી શરૂ થયો હતો, તો શહેરની ગેરવાડી વંડીમાં બેન્જો પર ગરબી રમાતી હતી, તેવી જ રીતે હાંડલા ગરબીમાં પગપેટીનો ઉપયોગ થતો હતો, આ પરંપરાગત વાદ્યોની સાથે નોબત અને કયાંક ઢોલનો ઉપયોગ થતો હતો, પરતું ધીમેધીમે આ પરંપરાગત વાદ્યોનું સ્થાન ઈલેક્ટ્રોનિક્સ કી-બોડે લીધું અને
નોબત અને ઢોલના બદલે ડ્રમસેટ ગોઠવાતા ગયા. - પાંચ વાદ્યની શરૂઆત : કચ્છમાં આજથી અંદાજે 50-60 વર્ષ અગાઉ માતાજીની આરાધના અને ગરબાઓ હાર્મેનિયમ અથવા તો શરણાઈ
અને નોબત વગાડી કરવામાં આવતી હતી, ભુજમાં
પણ ગરબીઓમાં એકથી વધુ ઇન્સ્ટ્રુમેન્ટની પ્રથા નહોતી, વધુમાં વધુ
હાર્મોનિયમ અથવા તો શરણાઈ અને નોબત વગાડવામાં આવતી હતી, પરતું
1975માં વોકળા ફળિયામાં એકસાથે
પાંચ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શ્રેય ભુજના કીર્તિભાઇ મહેતા (સુનીતિવાળા) અને તેમના
ત્રણ ભાઈને જાય છે. આ અંગે તેમના નાનાભાઈ સુરેશ મહેતાએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું
હતું કે, તે વખતે મારા મોટાભાઈ કીર્તિભાઈ મહેતા અને એ.
વાય. ભટ્ટી હાર્મોનિયમ, જ્યારે હું વાયોલિન, અરુણભાઈ એકોર્ડિયન, જયેશભાઈ બોન્ગો વગાડતા જેના માટે
300થી 400 જેટલા જૂના ગીતોનું લિસ્ટ બનાવતું
હતું, તો નોબત પર તલત તારવાણી સાથ આપતા હતા,
તો છેલ્લા 30 વર્ષથી આબીદ
ઈશાણી પણ ઢોલ વગાડી રહ્યા છે. - કચ્છમાં પ્રથમ
વખત કી-બોર્ડ : 1975થી ભુજના
વોકળા ફળિયામાં હાર્મોનિયમ અને અન્ય વાદ્યોના સૂર-તાલ સાથે સંગીતપ્રેમીઓને ડોલાવતા
ભટ્ટીભાઈ અને સુનીતિબંધુઓ પૈકી સૌથી મોટા કીર્તિભાઈએ 1984માં કચ્છમાં અને ખાસ કરીને
ભુજમાં વોકળા ફળિયા ખાતે ગરબીમાં કી-બોર્ડ વગાડવાની શરૂઆત કરી હતી. તેમણે તે વખતની
રૂા. 40 હજાર જેટલી ઊંચી કસ્ટમ ડ્યૂટી
ભરી દુબઈથી આ ઇલેક્ટ્રિક ઓર્ગન વહાણ મારફતે લઈ આવ્યા હતા. જો કે, તેનાથી અગાઉ ભુજના ધનજીભાઈ દૈયાએ સિન્થેસાઇઝર
વસાવ્યું હતું, પરતું તે માત્ર શોખ ખાતર. તેઓ ગરબી કે જાહેરમાં
નહોતા વગાડતા. આ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, એ.વાય. ભટ્ટી એકમાત્ર
જૂની પેઢીના કલાકાર આજ સુધી અટલ રહ્યા છે, તે અને વોકળો એકબીજાના
પર્યાય છે. સંગીત સાંભળવા માટે આજે પણ લોકો સવાર સુધી વોકળામાં ભીડ જમાવે છે,
તેઓ કચ્છના સૌથી સિનિયર કી-બોર્ડ પ્લેયર છે. - ગેરવાડી વંડીમાં બેન્જો : ભુજમાં શરૂ થયેલી પ્રારંભિક ગરબીઓમાં ગેરવાડી
વંડીમાં રમાતી ગરબીમાં અંદાજે 1963-64માં
સૌપ્રથમ બેન્જો વગાડવાની શરૂઆત ભુજના ચંદ્રેશભાઇ વોરાએ કરી હતી, ત્યારબાદ તેઓ આ ઇલેક્ટ્રિક વાદ્ય મુંબઈથી લઈ
આવ્યાં હતાં. - ઓરકેસ્ટ્રાના
જનક : કચ્છના જાણીતા હાર્મોનિયમ વાદક નરેન્દ્ર ભટ્ટે હાર્મોનિયમમાં
આખા કચ્છમાં વિવિધ મથકે ધૂમ મચાવી હતી. કચ્છમાં ઓરકેસ્ટ્રાનું કલ્ચર શરૂ કરનારા તેઓ
હતા. - હાંડલામાં પગપેટી વાગતી : ભુજના કોટ અંદર આવેલી જૂની શાકમાર્કેટ પાસે ચોક ફળિયામાં લગભગ '60ના દાયકામાં
સોથી જૂની ગરબી હાંડલા ગરબીમાં ધનેશભાઈ પંડયા પગપેટી વગાડતા હતા, જેમાં વાગતાં ફિલ્મી ગીતોની લોકો મોજ માણતા
તેવું જૂની પેઢીના લોકો કહે છે. - કચ્છી ઢોલની બોલીવૂડમાં માંગ : ભુજમાં અંદાજે 80 વર્ષથી રાજારામ તબલાંવાળાં
નામે ચાલતી પેઢીના ઈશ્વરભાઈ સોલંકી અને જીતુભાઈ સોલંકી તેમજ તેમના પુત્રો કલ્પેશ, મોહિત અને રાજ ત્રીજી પેઢી આ વ્યવસાય સાથે જોડાયેલી
છે. ઈશ્વરભાઈના જણાવ્યા મુજબ અગાઉ મંડળી ટાઇપ
નવરાત્રિ, ભવાઈ જેવાં નાટકોમાં હાર્મોનિયમ અને તબલાંનો ઉપયોગ
થતો હતો, ત્યારબાદ દેશી ઢોલની શરૂઆત થઈ. પરતું સમય પ્રમાણે પરિવર્તન
આવતાં આ વાદ્યોની જગ્યા ઓર્ગન અને ડ્રમસેટ તેમજ ઓક્ટોપેડ જેવાં વાજિંત્રોએ લીધી છે.
જો કે, આપણા કચ્છી ઢોલની બોલીવૂડમાં પણ ખૂબ જ માંગ છે. તેમના દ્વારા બનાવાયેલા કચ્છી ઢોલનો ઉપયોગ મુંબઈના
યશરાજ સ્ટુડિયો અને હૈદરાબાદ ફિલ્મ સિટીમાં મ્યુઝિક ડાયરેકટરો કરી રહ્યા છે,
વર્તમાન સમયમાં ઓક્ટોપેડ ઉપરાંત ડ્રમ, રોટો અને બેઝનો ઉપયોગ પણ વધ્યો હોવાનું મોહિત સોલંકી જણાવ્યું હતું.