નિરોણા (પાવરપટ્ટી), તા. 6 : ગાંધીજયંતીને
અનુલક્ષીને રાજ્ય સરકારે આ દિવસે ગામસભાઓ યોજવાના પરિપત્રને લઈ પાવરપટ્ટીના નિરોણા
ખાતે યોજાયેલી ગામસભામાં મોટા ભાગના પંચાયતના સભ્યોના અુનપસ્થિતિ વચ્ચે ગામમાં આવાસ
યોજનાનાં મકાનો ગેરકાયદેસર રીતે વેચાણ થતાં હોવાની ફરિયાદો વચ્ચે કેટલાક ઠરાવ પસાર
કરવામાં આવ્યા હતા. નિરોણા ગ્રામ પંચાયતના સભાખંડમાં ગામ સભાનું આયોજન થયું હતું. પંચાયતના
મોટાભાગના સભ્યોની ગેરહાજરી વચ્ચે યોજાયેલી આ ગામસભાના આરંભે તલાટીએ ગામસભાનો હેતુ
અને તેના એજન્ડા વાંચી સંભળાવ્યા હતા. સફાઈ અભિયાન હેઠળ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવા
પંચાયતે પ્લાસ્ટિકનો કચરો લાવો, બદલામાં વાસણો લઈ જવાના અભિયાન હેઠળ વિશિષ્ટ
કામગીરી કરનારી મહિલાઓને વાસણો આપવામાં આવ્યા હતા. ગામના સફાઈ કામદારોને સરપંચ નરોત્તમભાઈ
આહીરે પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. મફત આવાસ યોજના તળે ગામના 17 લાભાર્થીને મંજૂર થયેલ 100 ચો.વા. મફત પ્લોટની સનદ અર્પણ
કરવામાં આવી હતી. નિરોણા પોલીસ સ્ટેશનના અજયભાઈ પ્રજાપતિએ સાયબર ગુનાથી બચવા અંગે સમજણ
આપી હતી. ગામના અગ્રણીઓ દ્વારા તલાટીની ગેરહાજરી બાબતે ફરિયાદ થતાં સરપંચે તલાટીને
ટકોર કરી નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. ગામમાં
સફાઈ, રસ્તા અને ગટરની અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના સૂચનો આપ્યાં
હતાં, તો કેટલાક ગામજનો વર્ષો અગાઉ મફત આવાસ યોજના તળે બનેલા
અનેક મકાનોનું ગેરકાયદેસર વેચાણ થયા હોવાની ચોંકાવનારી ફરિયાદો કરતાં આવા લાભાર્થીઓની
તપાસ આદરી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાના ઠરાવ કરવામાં આવ્યા હતા, તો તલાટી અને મંત્રીએ ગામજનો પાસેથી વસૂલ કરાતા મકાન પાણી, સફાઈ વેરામાં વધારો કરવાના પણ સૂચનો કરી એ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.