• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

પાકિસ્તાની ટીમના બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે શોન ટેટ

નવી દિલ્હી, તા. 5 : પાકિસ્તાન મેન્સ ક્રિકેટ ટીમના ફાસ્ટ બાલિંગ આક્રમણને ફરી સક્ષમ બનાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો દાવ ખેલ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ એક્સપ્રેસ સ્પીડસ્ટાર શોન ટેટ પાકિસ્તાની ટીમના બાલિંગ કન્સલ્ટન્ટ બનવા સહમત થયા છે. ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં જ આ બાબતે સત્તાવાર ઘોષણા કરી શકે છે. શોન ટેટ આગામી સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાન પહોંચે તેવી પૂરી સંભાવના છે. ત્યાં તેઓ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોન્ટ્રાક્ટ સંબંધિત તમામ વહીવટી ઔપચારિકતાઓ પૂર્ણ કરશે. ત્યારબાદ તુરંત રાષ્ટ્રીય ટીમના ફાસ્ટ બોલર્સ સાથે નેટ્સમાં કામ શરૂ કરી દેશે. પાકિસ્તાની ક્રિકેટ માળખાથી ટેટ પહેલેથી જ સારી રીતે વાકેફ છે. માર્ચ 2022માં ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ પૂર્વે તેને ટીમના ફુલ-ટાઇમ બાલિંગ કોચ બનાવવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2023 સુધી આ પદ પર કાર્યરત હતો. જોકે, એક વર્ષના પ્રારંભિક કાર્યકાળ બાદ બોર્ડમાં થયેલા સત્તા અને વહીવટી પરિવર્તનોને કારણે તેનો કરાર લંબાવવામાં આવ્યો નહોતો. તાજેતરમાં જ તેણે બાંગ્લાદેશના ફાસ્ટ બાલિંગ યુનિટ સાથે પણ કામ કર્યું હતું પરંતુ આ વર્ષની શરૂઆતમાં તેણે એ જવાબદારી છોડી દીધી હતી. ત્રણેય ફોર્મેટમાં બારેય મહિનાની સતત મુસાફરી અને વ્યસ્તતા વચ્ચે પરિવારને પૂરતો સમય આપવાની પ્રાથમિકતાને જોતાં ટેટ માટે ફુલટાઇમ કરતાં કન્સલ્ટન્સીની ભૂમિકા વધુ અનુકૂળ સાબિત થાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd