ગાંધીધામ, તા. 6 : ગરબાની પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક આયોજનનો અનોખો સંગમ રજૂ કરવા `શેરી ગરબા ગાંધીધામ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
છે. એક દિવસના આ વિશિષ્ટ ગરબા મહોત્સવ 10 ઓક્ટોબર રેડિસન, ગાંધીધામના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. કાર્યક્રમનું
નિર્માણ વન વિઝન એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોનો ઉદ્દેશ માત્ર એક
ભવ્ય ગરબા કાર્યક્રમ યોજવાનો નથી, પરંતુ આજની પેઢીને ગરબાની મૂળ
ભાવના અને પરંપરા સાથે ફરીથી પરિચય કરીને જોડવાનો છે. આજના બાળકો અને યુવાનો માટે `શેરી'
શબ્દ કદાચ માત્ર એક સ્થળ કે રસ્તાનો અર્થ ધરાવતો હોઈ શકે, પરંતુ પરંપરામાં શેરી એટલે માત્ર રસ્તો નહીં, પરંતુ એક
ફળિયું, પડોશ, લોકો, સંબંધો અને સાથે મળીને ઊજવાતી સંસ્કૃતિ. આ રીતે `શેરી ગરબા ગાંધીધામ 2026' દ્વારા આ જ મૂળ વિચારને આજના
સમય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. - રજૂઆત આજના સમયની : આજના યુગની જરૂરિયાતો અને નવી પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને
એક આધુનિક સ્થળ, આધુનિક સુવિધાઓ,
ભવ્ય વાતાવરણ અને સુવ્યવસ્થિત આયોજન સાથે પરંપરાગત ગરબાની અનુભૂતિ કરાવવાનો
પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંપરાને બદલવાની નહીં, પરંતુ પરંપરાને
આજના સમય સાથે જીવંત રાખવાની વિચારધારા સાથે `શેરી ગરબા'નું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાની પરંપરા,
ઢોલ-શરણાઈનો તાલ અને માતાજીની આરાધનાની ભાવના એ જ રહેશે, પરંતુ તેની રજૂઆત આજની પેઢીને અનુકૂળ આધુનિક વાતાવરણ અને સુવિધાઓ સાથે કરવામાં
આવશે. - બેઠક વ્યવસ્થા અલગ : મહેમાનો અને
પરિવારજનોની સુવિધા માટે બેસવા માટે અલગ-અલગ લાઉન્જ,
વીઆઈપી ટેબલ અને આમંત્રિત મહેમાનો માટે વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં
આવી છે, પરંતુ જ્યારે વાત ગરબા રમવાની આવે છે, ત્યારે કોઈ અલગ વીઆઈપી વ્યવસ્થા કે અલગ વર્તુળ રહેશે નહીં. કારણ કે ગરબો માત્ર નૃત્ય નથી - તે માતાજીની આરાધના
છે. માતાજીની આરાધનામાં કોઈ નાનું કે મોટું નથી, કોઈ વીઆઈપી કે
જનરલ નથી. સૌ ભક્તો એક જ ભાવનાથી, એક જ વર્તુળમાં અને એક જ ઊર્જા
સાથે માતાજીની આરાધના કરશે. - આધુનિક અનુભવ : `શેરી ગરબા'નો પ્રયાસ
છે કે, વડીલોને પોતાની શેરી અને પરંપરાગત ગરબાની યાદ અપાવે અને
આજની પેઢીને એ જ પરંપરાનો અર્થ આધુનિક માધ્યમથી સમજાવે. શેરી શું છે? ગરબો શું છે? વર્તુળનું મહત્ત્વ શું છે?
અને માતાજીની આરાધનામાં સૌ સમાન કેમ છે? આવા મૂળ
પ્રશ્નોના જવાબ અનુભવ દ્વારા આપતી એક સાંસ્કૃતિક સાંજ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
છે. - સંસ્થાઓનો સહયોગ : ઉદ્યોગ જગતનો સહયોગ પ્રાપ્ત થયો છે. અરાવિંદ વી. જોશી (ફ્રેન્ડ્સ
ગ્રુપ) આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે જોડાયા છે,
જ્યારે ટી. એમ. આહીર સોલ્ટ વર્ક્સ પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે અને ખનક
સિલ્વર સ્ટુડિયો પ્રા. લિ. પાવર્ડ સ્પોન્સર
તરીકે કાર્યક્રમ સાથે જોડાયા છે. આ ઉપરાંત ડ્યૂન્સ કોલેજ કચ્છ, મિતરાજ ફાર્મ અને ઓએમઆર શાપિંગ ઈન્ડિયા
પ્રા. લિ. એસોસિયેટ સ્પોન્સર તરીકે આ આયોજનને સહયોગ આપી રહ્યા છે. આ સાથે વિવિધ ક્ષેત્રના
યુવા ઉદ્યોગપતિઓ પણ કો-સ્પોન્સર અને સપોર્ટિંગ પાર્ટનર તરીકે જોડાઈને આ ભવ્ય આયોજનને
પોતાનો સહયોગ આપી રહ્યા છે. વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને યુવા ઉદ્યોગપતિઓના
સહયોગથી `શેરી ગરબા
ગાંધીધામ 2026' વધુ વિશાળ અને યાદગાર બનાવવા
માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવું વન વિઝન એન્ટરટેઇન્મેન્ટના આયોજક કુશલ નરેન્દ્ર
સોમૈયા અને પ્રતીક તલવારે જણાવ્યું હતું.