ગાંધીધામ, તા. 5 : અહીંના રામબાગ સ્થિત સીમા સુરક્ષા
દળની 85મી વાહિની પરિસરમાં બે દિવસીય જિલ્લાકક્ષાની
વોલીબોલ પ્રતિયોગિતા સ્પંદન (સ્પોર્ટ્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ અક્રોસ ધ નેશન)નું
આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ
શક્તિ લીલાશાહ ક્લબ ચેમ્પિયન બની હતી. `ખેલો ઇન્ડિયા' યોજના હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધાનો
મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં ખેલદિલી, શિસ્ત અને શારીરિક ફિટનેસને પ્રોત્સાહન
આપવાનો હતો. 85મી બીએસએફ
બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમારના માર્ગદર્શન હેઠળ આયોજિત સ્પર્ધામાં ગાંધીધામના ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, જવાનો, નાગરિક પ્રશાસનના
અધિકારીઓ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ
સ્પર્ધામાં કચ્છ, રાજકોટ અને ભાવનગર જિલ્લાની કુલ 16 અગ્રણી ટીમે ભાગ લીધો હતો.
લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિથી રમાયેલી મેચોના અંતે ગાંધીધામની `િશવ શક્તિ લીલા શાહ ક્લબ' ચેમ્પિયન બની હતી, જ્યારે
હર્ષ ચેલેન્જર (ભુજ) રનર્સ-અપ રહી હતી અને `ડો. મગન પટેલ ક્લબ' (ભુજ) એ તૃતીય સ્થાન મેળવ્યું હતું. વિજેતા ટીમો તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર
ખેલાડીઓને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને
બીએસએફ દ્વારા રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતા. સ્થાનિક કક્ષાએ રમતગમતને પ્રોત્સાહન
આપવા માટે ગાંધીધામના વેપારી સંગઠનો પણ આગળ આવ્યા હતા. ગાંધીધામ ટિમ્બર એસોસીએશનના
પ્રમુખ નવનીત ગજ્જરે વિજેતા ટીમને રૂા. 31,000, ઉપવિજેતાને રૂા. 21,000 તેમજ ત્રીજા ક્રમે આવેલી ટીમને
રૂા. 11,000નું રોકડ ઇનામ આપ્યું હતું.
આ ઉપરાંત `મેન ઓફ ધ મેચ' માટે રૂા. 2,100 અને 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' માટે રૂા. 5,100નું અંગત
રોકડ ઇનામ જાહેર કર્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વિજેતા ટીમને રૂા. 15,000, ઉપવિજેતાને રૂા. 11,000 અને તૃતીય સ્થાન મેળવનાર ટીમને રૂા. 7,500ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા
હતા. ઉપસ્થિતોએ સરહદની રક્ષા
સાથે યુવા સશક્તીકરણ માટે બીએસએફ દ્વારા કરાયેલા આ આયોજનને બિરદાવ્યું હતું.