ભુજ, તા. 6 : નખત્રાણાના નાગલપરમાં માતા
દીકરાની દવા લેવા ભુજ આવ્યા અને પાછળથી તેમનાં ઘરને તસ્કરોએ નિશાન બનાવી રૂા. 4,91,000ના દાગીનાની ચોરી કરી હતી.
આ ઉપરાંત મુંદરાના ભોપાવાંઢમાં અદાણી સોલાર કંપનીના સર્વર ઓફિસના રૂમમાંથી 17 લેપટોપની ઉઠાંતરી થઇ હતી. સીસીટીવીમાં
એક કર્મચારી દેખાતાં તેને ઝડપી તેની પાસેથી બે લેપટોપ મળ્યાં હતાં. બાકીના લેપટોપો
અન્ય ફાયર કર્મચારીઓએ ચોરી કર્યાનું સામે આવતાં ફરિયાદ નોંધાઇ છે. નખત્રાણા તાલુકાના
નાગલપર ગામે રહેતા મોંઘીબેન ઉર્ફે મધુબેન અનિલભાઇ ચાવડાએ ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે
નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 5-10ના સવારે
તે તેમના દીકરાને લઇને દવા લેવા માટે ભુજ ગયા હતા અને ભુજ પહોંચે તે પહેલાં જ નણંદનો ફોન આવ્યો હતો અને ઘરે ચોરી થયાનું માલૂમ પડતાં ફરિયાદી પરત ઘરે આવ્યા
હતા. કબાટનો દરવાજો તૂટેલો હતો અને તિજોરી ખૂલી હતી. તિજોરીમાંથી સોનાંના દાગીના જેમાં
મંગળસૂત્ર, બે ચેઇન, પહોંચી, ઝૂમ્મરની જોડી, કાનમાં પહેરવાના લટકણિયા અને બુટિયા
તથા ચાંદીના ઘરેણાંમાં બે પટ્ટા, બે ચેઇન, બાળકોના કડા, પહોંચી, કટોરો એમ
કુલ્લ રૂા. 4,91,000ના
સોનાં-ચાંદીના દાગીનાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી છે. મુંદરાના ભોપાવાંઢ બાજુ અદાણી સોલાર કંપનીમાં વિપ્રો કંપની
તરફથી આઇ.ટી. મેનેજર તરીકે નોકરી કરતા ઇંદ્રજિતસિંઘ વિશેન (રાજપૂત)એ આજે મુંદરા પોલીસ
મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના એફ.આર.એસ. સર્વર રૂમમાં અદાણીના કર્મચારીઓને આપવા
માટે રાખેલાં લેપટોપનો સ્ટોક તપાસતાં કુલ્લ 47 લેપટોપમાંથી 17 લેપટોપ ગૂમ હતાં. આથી તપાસ કરી સીસીટીવી ચકાસતાં તેમની કંપનીમાં
ફાયર વિભાગમાં કામ કરતા ખિરુડ ભદ્રેશ્વર મોરનની
હિલચાલ જોવા મળી હતી. આથી તેની પૂછતાછ કરતા તેણે બે લેપટોપ ચોર્યાની કબૂલાત કરી હતી
અને તેના રૂમમાંથી બે લેપટોપનો કબજો લઇ બાકીના લેપટોપની ચોરી બાબતે પૂછતાં તે લેપટોપ
તેમની સાથે ફાયર વિભાગમાં કામ કરતા અને મુંદરા રહેતા અનુપમ નિપુણ ડેકા, રિસિરાજ રીતુ બોરુઆ, મોનજોય
સરજો સોનોવાલ, તન્મય બિજોય સૈકિયા, દીપાંકર
બાપા બોરાએ મળીને અલગ-અલગ દિવસોમાં સર્વર ઓફિસમાં એકસેસ કાર્ડથી પ્રવેશ કરી અંદર રાખેલા
અન્ય 15 લેપટોપ ચોર્યાં છે. આ કુલ્લે
રૂા. 5,10,000ની ચોરી અંગે પોલીસે આરોપીઓ
વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.