નવી દિલ્હી, તા. 6 : ગુજરાતના
મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધીના નરેન્દ્ર મોદીના જાહેર સેવાનાં પચીસ વર્ષ પૂર્ણ
થવા પ્રસંગે દેશભરમાં આવતીકાલે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોત યાત્રા સહિત
અનેક કાર્યક્રમો યોજાશે. દરમ્યાન, કેન્દ્રીય
મંત્રીમંડળે આજે એક ઠરાવ પસાર કરી મોદીના પચીસ વર્ષના શાસનની સિદ્ધિને બિરદાવી હતી.
દેશભરમાં યોજાનારા કાર્યક્રમો પૈકી વડાપ્રધાન મોદી સવારે 10 કલાકે વિકસિત ભારત સંકલ્પ સભા
દ્વારા દેશને સંબોધન કરશે અને વિકસિત ભારત 2047નો સામૂહિક સંકલ્પ લેવડાવશે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી
સંકલ્પ યાત્રાનું પણ આવતીકાલે વડાપ્રધાનની કર્મભૂમિ (વારાણસી) અને જન્મભૂમિ (વડનગર)
ખાતે એકસાથે સમાપન થશે. વડનગરમાં સાંજે યોજાનારા સમાપનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ,
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ
વિશ્વકર્મા તથા યાત્રા પ્રભારી વી. ડી. શર્મા ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળે
આજે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદીના છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રી
અને બાદમાં દેશના વડાપ્રધાન તરીકે તેમની શાસનસિદ્ધિઓમાં `જનતાએ મૂકેલા કાયમી વિશ્વાસ'ની પ્રશંસા કરવામાં આવી હતી. મંગળવારે કેન્દ્રીય
મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ
મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ઠરાવમાં મોદીના અખંડ
જાહેર સેવા રેકોર્ડને આવરી લેવામાં આવ્યો છે, જે 7 ઓક્ટોબર,
2001ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
પહેલીવાર કાર્યભાર સંભાળ્યો ત્યારથી 7 ઓક્ટોબર, 2026 સુધીના વડાપ્રધાન તરીકેના તેમના
સતત કાર્યકાળ સુધીના સમયગાળાને આવરી લેવામાં આવ્યો છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, બેઠક દરમ્યાન વડાપ્રધાનને બધા કેબિનેટ સાથીદારોએ
ઊભા થઇ તાળીઓ પાડી બિરદાવ્યા હતા. આ ઠરાવમાં મોદીને `સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કરવા' બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.