અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે વકીલ આગેવાનોની બેઠક
અને તેમાં મળેલા આશ્વાસન બાદ વકીલોની હડતાલનો અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી
હર્ષ સંઘવીના નિવાસસ્થાને વકીલો અને સરકાર વચ્ચે મળેલી બેઠકમાં તમામ સત્તા જ્યુડિશિયલ
ઓથોરિટી પાસે જ રખાશે તેવું આશ્વાસન અપાતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મોડી સાંજે વકીલોની
હડતાલ સમેટવાની જાહેરાત કરી હતી. નવા ભાડા વિધેયકમાં ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા
ન્યાયતંત્રને બદલે વહીવટી સત્તાધીશોને સોંપવાની વિવાદીત જોગવાઈને પગલે છેલ્લા છ દિવસથી
રાજ્યના વકીલો હડતાલ પર ઉતર્યા હતા. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર,
સાબરકાંઠા, વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં
વકીલ મંડળો અને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ઠેરઠેર દેખાવો અને પ્રદર્શનો યોજીને
વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરકાર સાથેની બેઠકમાં ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા
માટે 5 સભ્યોની કમિટી રચવાનો નિર્ણય પણ લેવાયો
છે. આ કમિટી સરકાર સાથે મળીને નવા કાયદામાં જરૂરી સુધારા વધારા અંગે પખવાડિયાની અંદર પ્રક્રિયા પૂર્ણ કરશે. આ કમિટીમાં સ્મોલ કોઝ કોર્ટના
હોદ્દેદારોને પણ સ્થાન આપવા અંગેની બાહેંધરી અપાઈ હોવાનું બેઠકમાં હાજર વકીલ આગેવાને
જણાવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ પી. ડી. પટેલે જણાવ્યું હતું કે, ભાડા વિધેયકને લઈને વકીલોમાં નારાજગી હતી અને
તેઓ કામકાજથી અળગા રહ્યા હતા. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજવા આવી હતી તેમજ
બાર કાઉન્સિલના સભ્યો સાથે પણ ચર્ચા થઈ હતી. સરકાર દ્વારા નવા કાયદાની સમીક્ષા કરવા
માટે પાંચ સભ્યોની કમિટીનું ગઠન કરાશે. આ કમિટી દ્વારા સૂચવવામાં આવેલા સુધારા અંગે
અંતિમ નિર્ણય લેવાશે. વહીવટી સત્તાધીશોને સોંપવામાં આવેલી સત્તા ફરીથી જ્યુડિશિયરીને
આપવાની જાહેરાત કરાઈ છે. વકીલોની માગણીઓ અને સુચનો સ્વીકારવાની સરકારે તૈયારી દર્શાવી
હોય વકીલોની હડકાલનો અંત લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.