ભુજ, તા. 6 : રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ
અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની મુખ્ય ઉપસ્થિતિમાં
માનકુવા સ્થિત પુરુષોત્તમ વિદ્યાલય તથા એમ. કે. એમ. વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાની વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધાનો સન્માન સમારોહ યોજાયો
હતો. આ કાર્યક્રમમાં સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના
હસ્તે પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આ વિકાસયાત્રા
અવિરત રહે અને વર્ષ 2047માં ભારત
એક વિકસિત રાષ્ટ્ર બને. આ સ્વપ્નને સાકાર કરવા દરેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે પોતાનામાં
રહેલી વિવિધ કૌશલ્ય શક્તિઓને ઊજાગર કરીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દેશના વિકાસમાં
યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ
જણાવ્યું હતું કે, વડાપ્રધાનના
જન્મદિવસથી શરૂ થયેલા સેવા સંકલ્પ કાર્યક્રમમાં કચ્છમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં બે
લાખથી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો છે, જે સિદ્ધિ સાથે કચ્છ જિલ્લો
સમગ્ર ગુજરાતમાં મોખરે રહ્યો છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભારતના ભવિષ્યને
નવો ઓપ આપવા અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓને સક્રિય સહભાગી બનવા અપીલ
કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનકુવા પુરુષોત્તમ વિદ્યાલય ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શન
તથા એમ.કે.એમ. વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ બનાવેલી રંગોળીઓનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ
કરવામાં આવ્યું હતું અને બાળકોની કલાને બિરદાવવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં જિલ્લા
પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશભાઇ
ભંડેરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી,
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, માનકુવા સરપંચ
રમેશભાઈ ભુડિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય,
ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી મહેશદાન ગઢવી, માનકુવા કેળવણી મંડળના ટ્રસ્ટી શિવજીભાઈ
પુંજાણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો
તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન મનન ઠક્કર તથા ભૂમિબેન ચોક્સીએ કર્યું હતું.