મુંદરા, તા. 9 : ધીકતું બંદર, વધતી ઔદ્યોગિક ગતિવિધિ, નિરંકુશપણે રોજની હજારો ટ્રકો, ટ્રેઈલરોનું પરિવહન ને
સામે દેશભરમાંથી રોજગારી અર્થે રોજ નવા લોકોનાં મુંદરા તાલુકામાં આગમન થકી સમસ્યાઓ,
ગુનાખોરી તો વધી જ રહી છે, પરંતુ તેમાં ટ્રાફિક, ઓવરલોડ વાહનો અને બેફામ ડ્રાઇવિંગથી
અકસ્માતોનું વધતું પ્રમાણ સૌથી વધુ ગંભીર છે.
મુંદરામાં ગત જૂન મહિનામાં જ બે જીવલેણ અકસ્માતો
થયા. એ સિવાય સમગ્ર તાલુકા વિસ્તારમાં પણ આ સતત અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે.
મુંદરા શહેર અને તેને જોડતો શક્તિનગર- રાશાપીર સર્કલ વિસ્તાર ગંભીર અકસ્માત ઝોન બની ગયો છે. છેલ્લા લગભગ
દોઢ વર્ષમાં 10થી વધુ ગંભીર
જીવલેણ અકસ્માતો થયા છે. - લાંબા ટ્રેઈલર, ઓવરલોડ વાહનો : શક્તિનગરથી રાશાપીર સર્કલ સુધીનો માર્ગ અને બીજીબાજુ, બારોઈ રોડ પર ભારે વ્યાપારિક ગતિવિધિ છે ને દબાણોને કારણે માર્ગ
ટૂંકો પડે છે. રાશાપીર જતા માર્ગ પર તો ખાડાઓની
ભરમાર છે અને વાહનો ઓવરલોડ ચાલે છે. કોઈ અંકુશ
નથી. શક્તિનગર સર્કલ- રાશાપીર સર્કલ પર ચાલીસ ફૂટવાળા લાંબા ટ્રેઇલર ફરીને વળાંક લઈ શકતાં નથી. વાહનો સામસામે વળાંક લે તો પાછળથી કોઈ કચડાય તોય
ડ્રાઇવરને કંઈ ખબર પડતી નથી કે એ કોઈ તકેદારી લેતા નથી. મોટાભાગે આવડાં મોટા વાહનો
છતાંય ક્લીનર સાથે હોતા નથી. - 60 ટનનું વજન, માર્ગ ટૂંકા-નબળા : ઔદ્યોગિક ગતિવિધિ વધતાં દેખીતી રીતે ટ્રકોનું
પરિવહન વધ્યું છે. પ્રાગપરથી ઝીરો પોઈન્ટ સમગ્ર પોર્ટ રોડ પર વાહનોની સંખ્યા રોકેટ
ગતિએ વધે છે, સામે રસ્તાની માળખાંકીય
સુવિધા ઓછી પડે છે યા તો રસ્તાની મરંમત થતી નથી અને થાય છે તે 60 ટન વજનનાં વાહનો સામે ઓછી પડે છે.
હવે પોર્ટ રોડ પર સિક્સ લેનનું કામ ચાલે છે તેનાથી કમસે કમ આ માર્ગમાં હળવાશની
આશા છે, પરંતુ એમ્પ્ટી કન્ટેનર યાર્ડનાં કારણે આહિંસાધામથી
શક્તિનગર ઝીરો પોઈન્ટ માર્ગમાં તો અકસ્માતનું જોખમ રહે જ છે. આનો ઉપાય માત્ર માર્ગને ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવાનો છે. - દિવસનો વ્યવહાર તો પ્રતિબંધ
કરો : જૂના બંદર રોડ પર દર્શન કરી રહેલા વડીલના
અકસ્માત મૃત્યુ બાદ લડત પછી જેમ એ માર્ગ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો તેમ આહિંસાધામથી
શક્તિનગર ભારે વાહન માટે પ્રવેશબંધી કે વન-વે બનાવાય, એટલું
જ નહીં પોલીસ તંત્રએ પણ આવા જાહેરનામાં માટે કલેકટર, ડીએસપી કક્ષાએ
દરખાસ્ત મૂકવી જરૂરી છે. જો કે, જૂના બંદર રોડ પરની પ્રતિબંધ જાહેરાતનો
પણ પૂરો અમલ નથી થતો. આહિંસાધામથી રાશાપીર માર્ગ પર કમસે કમ સવારના સાતથી રાત્રે નવ સુધી ભારે વાહનો
માટે પ્રવેશબંધી ફરમાવાય તો પણ આ અકસ્માત ઝોનની સ્થિતિ હળવી બને. - ડ્રાઇવરની વિગતો સામેય સવાલ : આ સિવાય ટ્રાન્સપોર્ટરો
દ્વારા ડ્રાઇવરની પૂરી લાયકાત, લાયસન્સ
સહિતની વિગતોના પણ પ્રશ્નો છે. કલેકટરનાં જાહેરનામાં મુજબ દરેક ટ્રાન્સપોર્ટરોએ ડ્રાઇવરો
- ક્લીનરો કયા વિસ્તારમાંમાંથી આવે છે, એમની અગાઉનાં કામ સહિતની
વિગતો તેમજ કઈ કક્ષાનાં વાહનનું લાયસન્સ ધરાવે છે તે પોલીસ તંત્ર પાસે નિયમિત નોંધાવાનું
રહે છે, જેમાં ખરેખર સાચી અને પૂરેપૂરી વિગતો પોલીસ તંત્રને પહોંચે
છે કે આડેધડ પ્રક્રિયાઓ થાય છે એ પણ એક સવાલ છે. - આરટીઓ અને પોલીસ કડક બને : ઉલ્લેખનીય છે કે, જૂનમાં
બે ગંભીર અકસ્માતો બાદ મુંદરા શહેર કોંગ્રેસે કલેકટર, મામલતદાર,
એસ.પી., પીઆઈને લેખિત રજૂઆતો કરીને મુંદરા શહેર
અને તાલુકામાં ભારેખમ માલ સાથેનાં વાહનોને અટકાવવા અને જાહેરનામાંની કડક અમલવારી કરવા
આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જાહેરનામાં છતાં પ્રતિબંધિત રસ્તા પર ભારે વાહનો દોડે છે. આરટીઓ કે પોલીસ તરફથી યોગ્ય અમલ થતો નથી.
ડ્રાઇવરો લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરે છે, એથી અકસ્માતાનું પ્રમાણ
વધે છે, જે રોકાવું જોઈએ.