• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ગાંધીધામમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સની અટક

ગાંધીધામ, તા. 9 : શહેરના સેકટર-1-એમાં એચ.પી. ગેસ એજન્સી પાસે રોડ પર કાર ઊભી રાખી ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. માસ્ટર આઈડી આપનારા શખ્સનું નામ બહાર આવ્યું હતું. શહેરના સેકટર-1-એમાં એચ.પી. ગેસ એજન્સી પાસે આવેલા સર્વિસરોડ પર સ્થાનિક પોલીસે ગઈકાલે સાંજે કાર્યવાહી કરી હતી. અહીં ઊભેલી ક્રેટા કાર નંબર જીજે-12-ડીએસ-3638માં બેઠેલા બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી ગઈ હતી. આ કારમાંથી પ્રવીણ કબા ભરવાડ (રહે. મલયાલમ નગર, આદિપુર) તથા હિરેન અમરચંદ મોરબિયા (રહે. લીલાશાહ નગર, ગાંધીધામ)નામના શખ્સોને ઝડપી લેવાયા હતા. પ્રવીણ ભરવાડના મોબાઈલમાં ઓલ પેનલ 247 ડોટકોમ નામની  વેબસાઈટમાં પ્રવીણ 2344 નામની આઈડી ખુલ્લી હતી. જેના થકી તે ક્રિકેટનો સટ્ટો રમતો હતો. તેને આ આઈડી હિરેન મોરબિયાએ આપી હતી. આ હિરેનના મોબાઈલમાં પણ ઓલ પેનલમાં તેની આઈડી ખુલ્લી હતી જેમાં રૂા.9,98,614નું બેલેન્સ બતાવતું હતું. આ હિરેન નામનો શખ્સ પ્રકાશ મહેતા પાસેથી આઈડી મેળવી તેના કહેવા પ્રમાણે માસ્ટર આઈડી દ્વારા ગ્રાહકોને આઈડી આપી 0.5 ટકા ભાગ લેખે આઈડી આપવાના લેતો હતો. પકડાયેલા બંને શખ્સો પાસેથી  મોબાઈલ, કાર, રોકડ રૂા. 1600 એમ કુલ રૂા. 5,21,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તેમજ હાથમાં ન આવેલા મુખ્ય સૂત્રધાર પ્રકાશ મહેતાને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Panchang

dd