ગાંધીધામ, તા. 9 : રાપરની મુખ્ય બજારમાં ભૂતિયા
કોઠા પાસેથી એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5120નું કેટામાઈન ડ્રગ્સ જપ્ત કરાયું
હતું. આ માદક પદાર્થ આપનારા બે શખ્સોનું નામ બહાર આવ્યું હતું. રાપરની મુખ્ય બજારમાં
ભૂતિયા કોઠા નજીક રત્નેશ્વર જ્વેલર્સ નામની દુકાન આગળ બેઠેલા તુષાર હિતેશ સોનીને પોલીસે
પકડી પાડયો હતો. આ શખ્સના ખિસ્સામાંથી રૂા. 5120નું કેટામાઈન 5.120 ગ્રામ માદક પદાર્થ જપ્ત કરાયો હતો. તેણે ગાંધીધામના ઈમરાન રાયમા
પાસેથી 10 ગ્રામ માદક પદાર્થ રૂા. 23,000માં મગાવ્યો હતો અને અંજારનો
સમીર ઈમ્તિયાઝ રાયમા નામનો શખ્સ બાઈકથી અહીં આવી તેને આ પદાર્થ આપી ગયો હતો. અગાઉ પણ
તેણે આ શખ્સો પાસેથી ડ્રગ્સ મગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી
સફેદ રંગના પાઉડર આકારનો કેટામાઈન માદક પદાર્થ જપ્ત કરાયો હતો તેમજ ગાંધીધામ, અંજારના શખ્સને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં
આવી છે.