ભુજ, તા. 9 : ડિજિટલ ઠગબાજો યેનકેન પ્રકારે
લોકોને જાસામાં નાખી ઓનલાઇન નાણાં સેરવી લેવાના કિસ્સા દેશભરમાં બની રહ્યા છે, જ્યારે આવી ઓનલાઇન ઠગાઇના બનાવોને લઇને આવા
મ્યુલ એકાઉન્ટની છાનબીન પોલીસ કરી રહી છે. અગાઉ કચ્છમાં અનેક મ્યુલ એકાઉન્ટ સામે આવતાં
અનેક ફરિયાદો થઇ છે ત્યારે વધુ એક વખત દેશભરની 216 જેટલી ઓનલાઇન છેતરપિંડીના કુલ
મળીને 1,11,76,795 ભુજની બેંકના ખાતાધારકના ખાતાંમાં
આવતાં ફરિયાદ નોંધાઇ છે. પશ્ચિમ કચ્છ એલસીબી શાખાના સાયબર સેલે ભુજના બી-ડિવિઝન પોલીસ
મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સાયબર ક્રાઇમના ગુના અટકાવવા ગુજરાત સરકાર દ્વારા `મ્યુલ હન્ટ' નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઇન
થતી છેતરપિંડીનું પગેરું દબાવવા સમન્વય પોર્ટલથી મ્યુલ એકાઉન્ટની છાનબીન દરમ્યાન કે.ડી.સી.સી.
બેંક-ભુજના ખાતા નં. 191001186736 શંકાસ્પદ એકાઉન્ટ મળી આવતાં તેની તપાસ કરતાં ગત તા. 19/9/25થી હાલ સુધી ભારતના અલગ-અલગ
રાજ્યમાં થયેલી કુલ 216 ઓનલાઇન છેતરપિંડીના
કુલ રૂા. 1,11,76,795 ઉપરોક્ત ખાતાંમાં આવ્યા હતા.
આમ, આ ખાતાધારક તથા તપાસમાં જે ખૂલે તેની વિરુદ્ધ
બીએનએસની કલમ 318(4), 319(2) તથા આઇ.ટી. એક્ટ 66 (ડી) મુજબ બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીતરફ
આ ખાતાં અંગે કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઇ ગઢવીનો સંપર્ક કરતાં અગાઉ પોલીસને
વિગતો આપી જ હતી અને હજુ પણ લેખિતમાં વિગતો માગવામાં આવશે તો અપાશે. ખાતું આરબીઆઇના
નિયમો મુજબ જ ખોલવામાં આવ્યું છે. `કચ્છમિત્ર'એ ખાતાધારકની
વિગતો માગતાં દેવરાજભાઇએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ ખાતાંની
વિગતો અન્ય કોઇને આપી શકાય નહીં, પરંતુ આવા બનાવમાં સરકારી તંત્ર-પોલીસ
લેખિત માંગ કરે તો આપવામાં આવે છે. દરમ્યાન, ફરિયાદકર્તાને ખાતાધારક
અંગે પૂછતાં ખાતા નંબર મળતાં ફરિયાદ નોંધાવી છે. હવે તપાસ બી-ડિવિઝન પાસે છે. બી-ડિવિઝનના
પી.આઈ. એ. એમ. હેરમાનો સંપર્ક કરતાં તપાસ ચાલુ છે, બેંક પાસેથી
ખાતાંની માહિતી માગવાની બાકી હોવાનું જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ રીતની ઓનલાઇન છેતરપિંડીના અનેક બેંક ખાતાં સામે આવતાં ખાતાધારકની નામજોગ
ફરિયાદ દાખલ કરાઇ છે. ઘણા કિસ્સામાં તો આવા ખાતાધારકોને રાઉન્ડઅપ કરી આગળની કડીઓની
વિગતો મેળવીને ફરિયાદ નોંધાઇ છે. કમિશનથી ખાતાં ભાડે આપ્યાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા
છે ત્યારે આ વખત ખાતાધારકનાં નામ વિના ફરિયાદ દાખલ થતાં તર્ક-વિતર્ક શરૂ થયા છે.