• શુક્રવાર, 10 જુલાઈ, 2026

કચ્છમાં ચિંતાના વાદળ; અન્યત્ર વરસે અનરાધાર

અનરાધાર વરસાદ મહારાષ્ટ્ર-મુંબઇ અને દેશના અન્ય કેટલાક ભાગો માટે આફતરૂપ બન્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત, પુલ-રસ્તા-રેલવે લાઇનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંય જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ કચ્છ સહિતનાં અમુક ક્ષેત્ર કોરાધાકોર છે. સોમવારે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ વિસ્તારમાં ગાજવીજ સાથે ઝાપટાંથી એક-દોઢ ઇંચ પાણી વરસતાં કચ્છવાસીઓ મંગલાચરણથી  આશાવાદી બન્યા છે. અષાઢ નજીક પહોંચ્યો છતાં જિલ્લાના ઘણાખરા વિસ્તાર સાવ કોરાધાકોર રહેતાં ઉચાટ ફેલાયો છે. અલ નીનોનો ખોફ તો છે જ, જળવાયુ પરિવર્તનનો મહત્તમ માર કચ્છને જ નહીં ભોગવવો પડેને એવા અંદેશા સાથે ધરતીપુત્રો-પશુપાલકો મેઘરાજાને મહેર માટે વિનવી રહ્યા છે. કચ્છ માટે ચિંતાનાં વાદળો ઘેરાવાનું કારણ એ છે કે, સામાન્ય વર્ષમાં મે-જૂનમાં બે-પાંચ ઇંચ પાણી પડી જતું હોય છે. જુલાઇમાં કચ્છી નવાં વર્ષ આષાઢીબીજનાં આગમન સાથે વરસાદની હેલીની સંભાવના ઊજળી બને. છેલ્લા દાયકાના આંકડા જોઇએ તો પાંચેક વર્ષને બાદ કરતાં કચ્છમાં જૂન માસમાં જ સામાન્ય રીતે દસથી 25 ટકા વરસાદ થઇ જતો હોય છે. વર્ષ 2023માં તો બિપોરજોય ચક્રવાતના પ્રભાવ હેઠળ 87 ટકા વરસાદ આષાઢીબીજ પૂર્વે જ ખાબકી ચૂક્યો હતો. આ વખતે માહોલ જામતો નથી. ઉનાળામાં ગરમી ભીષણ પડી, નિજ જેઠમાં વાદળોની આવન-જાવન વચ્ચે બફારો-તાપ અનુભવાય છે, પણ વરસાદી કરન્ટ નથી. કચ્છ વરસાદ મામલે કમનસીબ છે. હવામાન ખાતાંના નિષ્ણાતો કહે છે કે, પાકિસ્તાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં સૂકો-ભેજવિહોણો પવન વીંઝાય છે, જે ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમને કચ્છ તથા પાકિસ્તાનની રણ સીમાની નજીકના અન્ય ચારેક જિલ્લામાં આવતાં રોકે છે. કચ્છ ખેતી અને પશુપાલનનો જિલ્લો છે. મેઘતૃષ્ણાનો મુલક આકુળવ્યાકુળ બન્યો છે. ખેડૂતો કપાળે નેજવું ધરીને ધરતીના ધણીની વાટ જોઇ રહ્યા છે. હવે વધુ વિલંબ ખેતીની સિઝન ખોરવી નાખશે. પશુપાલકોને માલ સાથે હિજરત કરવાની ફરજ પડશે. વરસાદ આ સૂકા જિલ્લા માટે ભાગ્યવિધાતા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ચોમાસું એકંદર સારું જતાં તેની ચમક વર્તાય છે. આમ પણ કચ્છનાં અર્થતંત્ર માટે વરસાદ બેરોમીટર બને છે. ખેડૂતો-પશુપાલકો સુખી થાય તો તેમના આનંદની છાલક સ્થાનિક બજારમાં અનુભવાય, અર્થતંત્રમાં ધબકાર સાંભળવા મળે, તેથી ઊલટું અછતની સ્થિતિ કચ્છીઓનો ચહેરો મૂરઝાવી દે છે. કચ્છ આમ પણ મેઘરાજાની અવકૃપાનો મુલક રહ્યો છે. હજુ તો ચોમાસાંની શરૂઆત છે અને આવનારા દિવસોમાં ભરપૂર મેઘવૃષ્ટિ થાય એવી અપેક્ષા સૌને છે, પરંતુ રાજ્યમાં સાર્વત્રિક મહેરના દિવસોમાંય વાદળો કચ્છની અવગણના કરે એ દર્શાવે છે કે, સ્થિતિ યોગ્ય નથી. નિષ્ણાતો આને જળવાયુ પરિવર્તનનો પ્રભાવ માને છે. અલ નીનો તેની જ નિપજ છે. ચોમાસાંની અનિર્ણાયકતા અને અણધાર્યાપણું વૈશ્વિક તાપમાન તથા પર્યાવરણ અસંતુલનનું પરિણામ છે. વરસાદી દિવસોની ઘટતી સંખ્યા એ ચિંતાનો વિષય છે. કેમ કે, ધીમી-મધ્યમ ધારને બદલે બારેમેઘ ખાંગા થાય છે. થોડા કલાકોમાં પા-અડધી સિઝનનું વરસી જતું પાણી ફાયદો ઓછો અને નુકસાન ઝાઝું કરાવે છે. કચ્છીઓ મેઘરાજાને બે હાથ જોડીને વિનવે છે કે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર પર ખમૈયાં કરીને કચ્છ તરફ દૃષ્ટિ દોડાવો. કચ્છની સૂકી ધરતીનો કણેકણ મેઘમહેરને ઝીલવા આતુર છે. 

Panchang

dd