• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ટેક્સી ગલીમાં વરસાદી પાણી નિકાલની કેનાલ લાંબા સમયથી જર્જરિત

ભુજ, તા. 9 : શહેરની ટેક્સી ગલીમાં આવેલી વરસાદી પાણી નિકાલની કેનાલ વર્ષોથી જર્જરિત હાલતમાં હોવા સાથે તેમાં ફેંકાતો વધેલો ખોરાક ખાવા આવતાં પશુઓ તેમાં પડી જવાના બનાવો પણ વારંવાર બનતા હોવાથી આ સમગ્ર કેનાલ વ્યવસ્થિત રીતે મરંમત કરવા માંગ ઊઠી છે. ભુજમાં બિલેશ્વર મંદિરથી બસ સ્ટેશન જતાં ટેક્સી ગલી તરીકે ઓળખાતા માર્ગે નખાયેલી વરસાદી પાણી નિકાલની કેનાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં પડી છે. આથી કેનાલમાં અનેક જગ્યાએ ઢાંકણાં તૂટી ગયાં છે, તો અનેક જગ્યાએ લોખંડના સળિયા દેખાવા સાથે ખાડા પડયા છે. અધૂરામાં પૂરું આ કેનાલમાં ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા અનેકવાર બચેલો ખોરાક ઠાલવવામાં આવે છે જેને ખાવા જતાં ગૌવંશો કેનાલમાં પડી જવાના બનાવો પણ બનતા રહે છે. તો આ કેનાલ વારંવાર કેમ તૂટી જાય છે ? તૂટે છે કે પછી એંઠવાડ ઠાલવવા તોડી નાખવામાં આવે છે તે અંગે ભુજ નગરપાલિકા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે અને વરસાદ પહેલાં કેનાલ રિપેર કરાય તેવી લોકમાંગ ઊઠી છે. 

Panchang

dd