• શુક્રવાર, 10 જુલાઈ, 2026

માંડવીના જાહેર માર્ગો પર ઠેર-ઠેર પ્લાસ્ટિકના કચરાના ઢગથી હાલાકી

માંડવી, તા. 9 : પર્યાવરણ સુરક્ષા સંદર્ભે અને આરોગ્યજતન અર્થે કેન્દ્ર-રાજ્ય સરકાર અસ્વીકૃત પ્લાસ્ટિક વપરાશ સામે કડકાઇની તરફેણમાં છે, તેની સમાંતરે અમલીકરણની ઐસી કી તૈસી થતી હોય તેવાં દૃશ્યો આ બંદરીય શહેર પંથકમાં હવે અકળાવી રહ્યા છે.  જાહેર માર્ગો ઉપર ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને અપાતી પ્લાસ્ટિકની કોથળીઓ પવનના સહારે રહેઠાણોમાં  પહોંચતાં ફેલાતી ગંદકીથી લોકો ત્રાસ્યા છે. પાકા-કાચા રસ્તાઓ ઉપર ઉકરડાઓ નિર્મૂળ કરવાની માંગ છે. આ બંદરીય શહેરના જાગૃત નાગરિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, મોડી સાંજ પછી કે રાત્રે નાની-મોટી બજારના કેટલાય ધંધાર્થીઓ વ્યવસાય સ્થળ વધાવવાની સાથે ખોખાં, રદી કાગળો સાથે આવો પ્લાસ્ટિક કચરો જાહેર માર્ગો ઉપર બેફિકર બની ફેંકતા હોય છે. સમય આવે ત્યારે સ્થાનિક તંત્ર પ્લાસ્ટિક બેગોનાં વેચાણ સ્થળોએ કથિત રીતે ત્રાટકે અને પાછું હરતાં ત્યાંને ત્યાં જેવી હાલત છે. ઠેર ઠેર આવા પ્લાસ્ટિક વેસ્ટ પથરાયેલા જોવા મળે છે. પ્લાસ્ટિક વેસ્ટ રહેઠાણોમાં ઉડીને ભરાય. આંગણા અને આવાસમાં પણ ઉડી આવે છે. આ દૂષણ નાબૂદીને કાયમી બનાવાય તેવી માગણી જાગૃત વર્તુળોએ કરી છે. જાહેર સ્થળોએ ઉકરડાઓનાં દૃશ્યો સર્જનારાઓને જરૂર પડે દંડકીય સજા કરવી અનિવાર્ય બની છે. `પ્લાસ્ટિક વેસ્ટ' પેટમાં પધરાવીને રઝળતી ગાયો, ગૌવંશ પ્રત્યે કરુણા દર્શાવવામાં ગૌસેવા જેટલું પુણ્ય મળતું હોવાનું વક્તાઓએ કહ્યું હતું. 

Panchang

dd