• ગુરુવાર, 09 જુલાઈ, 2026

નિકાસ વધારાનું લક્ષ્ય

ઈરાન અને અમેરિકાના જંગે દુનિયાભરના દેશોનાં બજેટ ખોરવી નાખ્યાં છે. આવામાં દરેક દેશની સામે નિકાસમાં ઘટાડાની સમસ્યા ઊભી થઈ છે. જો કે, મજબૂત અર્થતંત્ર ધરાવતાં ભારતે નિકાસને વધારવા અને ઊંચા લક્ષ્યાંકોને હાંસલ કરવા નક્કર પગલાં લેવાં શરૂ કર્યાં છે.  ભારત હાલે સંખ્યાબંધ વિકસિત અને વિકસતા દેશોની સાથે મુક્ત વેપાર કરાર કરીને નિકાસને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યં છે. તાજેતરમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે એક બેઠકમાં તમામ રાજ્યોના ઔદ્યોગિક સંગઠનોને માહિતી આપી હતી કે, સરકાર નિકાસને સરળ બનાવવા માટે વિકસિત દેશોની સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે નકકર પગલાં લઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ભારતે એક લાખ કરોડ ડોલરની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે.  આ સમયગાળા દરમ્યાન ઉત્પાદનોની નિકાસનાં લક્ષ્યને પ30 અબજ ડોલર અને સેવા આધારિત નિકાસનાં લક્ષ્યને 470 અબજ ડોલર નિર્ધાર્યું છે.   ઉલ્લેખનીય છે કે, ગયા નાણાકીય વર્ષ દરમ્યાન ભારતની નિકાસ 863 અબજ ડોલર રહી હતી. પ્રતિકૂળ વૈશ્વિક માહોલમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન ઉત્પાદનોની નિકાસમાં 1પ ટકાનો અને સેવા આધારિત નિકાસમાં 11 ટકાનો વધારો થયો છે.  આનાથી ચાલુ વર્ષ દરમ્યાન નિકાસનાં વધારાયેલાં લક્ષ્યને હાંસલ કરવાની આશા જાગી રહી છે. આ માટે વિવિધ દેશોની સાથે એફટીએની સાથોસાથ સરકારે નિકાસ સંવર્ધન મિશન હેઠળ ટેક્સટાઈલના વિવિધ પેટા વિભાગોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના તૈયાર કરી છે. સાથોસાથ નિકાસને વધારવા ઉત્પાદનોમાં વિવિધતાને ઉત્તેજન આપવા ઉપરાંત વધારાના વેરાના અંતરાયો દૂર કરવા અને કાચા માલના પુરવઠા સંદર્ભની મુશ્કેલીઓ દૂર કરવા સરકાર પગલાં લેવાં શરૂ કર્યાં છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, યુરોપિયન યુનિયન, ન્યૂઝીલેન્ડ, ઓમાન, સાઉદી અરેબિયા જેવા દેશોની સાથે એફટીએની સાથે દેશની અંદર તાજેતરમાં અમલમાં મુકાયેલી ચાર નવી શ્રમ સંહિતા નિકાસને વધારવામાં મદદરૂપ થઈ  શકે તેમ છે.  વળી સેવા ક્ષેત્રમાં ભારતની પારંગતતા નિકાસને વધારી રહી છે. ડિજિટલી વેપારમાં વધારો થયો છે. 2004માં સેવા ક્ષેત્રમાં નિકાસના મામલે ભારતનો વૈશ્વિક હિસ્સો માત્ર 1.9 ટકા હતો, જે ગયા વર્ષે વધીને 4.9 ટકા થયો છે.   આજે દુનિયાભરમાં વિકસિત અને વિકસતા દેશોનો ભારત સાથેનો વેપાર સતત વધી રહ્યો છે.  આવામાં ભારતની નિકાસલક્ષી વ્યૂહરચના ખરા અર્થમાં સફળ થાય તેમ છે.   

Panchang

dd