ભુજ, તા. 9 : નગરપાલિકાની કારોબારી સમિતિની
બેઠકમાં શહેરમાં પાણી, રસ્તા,
ગટર, રોડલાઈટનાં કામોનું આયોજન ઘડાયું હતું. આ
અંગે માહિતી આપતા કારોબારી ચેરમેન કમલ ગઢવીએ જણાવ્યું કે, બેઠકમાં
ભુજ શહેરના વિકાસને વેગ આપવા મહત્ત્વના નિર્ણયો લેવાયા, જેમાં
બાંધકામ શાખાનાં કામો પૈકી કૃષ્ણાજી પુલનાં કામના આવેલા ટેન્ડરને ખોલવામાં આવ્યું હતું,
જેમાં એજન્સીને નેગોશિયેશન માટે જણાવાયું હતું. સાથે સાથે આઉટગ્રોથ એરિયા
ગ્રાન્ટ અંતર્ગત સાત કરોડનાં મંજૂર થયેલાં કામો, 15મા નાણાપંચના રૂા. 55 લાખના રોડ-રસ્તા, પેવરબ્લોકનાં કામો તથા જનભાગીદારીના રૂા. 1.5 કરોડનાં કામો, ઉમેદનગર પુલિયાનું રૂા. 45 લાખનું કામનું ટેન્ડર ખોલી
ભાવો મંજૂર કરાયા હતા. અંદાજિત રૂા. 80 લાખના ડામર તથા સીસીરોડના પેચવર્કનાં કામો મંજૂર કરાયાં હતાં.
ડ્રેનેજ શાખાનાં કામો પૈકી રૂા. ત્રણ કરોડની રકમના પમ્પિગ સ્ટેશનના અપગ્રેડેશનનાં કામોનું
ટેન્ડર ખોલતા ભાવ ઊંચા આવતા નેગોશિયેશન માટે જણાવાયું હતું. અંદાજિત રૂા. બે કરોડના
લાઈન મેઈન્ટેનન્સ કામોનું આયોજન કરાયું છે. પાણી પુરવઠાનાં કામો પૈકી શહેરના વિવિધ
વિસ્તારોમાં પાણીની નવી લાઈન નાખવાનાં કામો જ્યાં પાણી નથી પહોંચતું તેવા વિસ્તારો
માટે લાઈન નાખવાના અંદાજિત 35 લાખનાં કામો
મંજૂર કરાયાં હતાં. રોડલાઈટ શાખાનાં કામો પૈકી જ્યાં લાઈટ બંધ છે તેને રિપેર કરવાનું
અથવા નવી નાખવા નક્કી કરાયું હતું. આ ઉપરાંત અન્ય વિવિધ કામોની સમીક્ષા પણ કરાઈ હતી.
આ બેઠકમાં ચીફ ઓફિસર ટ્વીંકલ પટેલ, કારોબારી સભ્યો મનુભા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા,
મયંક રૂપારેલ, ચંદ્રેશ રબારી, હસ્મિતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.