ભુજ, તા. 9 : શહેરના કોમર્સ કોલેજથી ત્રિમંદિર
જતા માર્ગે નખાયેલી ગટરલાઇન આ રસ્તે આવેલી વિવિધ કોલોનીઓનાં મકાનોની પ્લિન્થથી લગભગ
એકાદ ફૂટ ઊંચી હોવાથી નવો બનનાર માર્ગ પણ ઊંચો થશે,
જેથી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી ચિંતિત બનેલા રહીશો આજે સ્થળ
પર એકત્ર થયા હતા અને માર્ગ-મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનીયરને સ્થળ પર રજૂઆત સાથે
ભવિષ્યની ચિંતા વ્યકત કરી હતી. ભુજ રઘુવંશીનગર, રાવલવાડી રિલોકેશન
સાઇટ પાસેથી પસાર થતો માર્ગ સિમેન્ટનો બનાવવા સાથે ગટરલાઇન નાખવાનું કામ પણ ચાલુ છે.
આ રસ્તો રઘુવંશી નગરનાં મકાનોની પ્લિન્થથી એક ફૂટ ઊંચો બનાવવાનો હોઇ વરસાદ સમયે પાણી
રહેણાક વિસ્તારો અને ઘરોમાં ભરાય તેવી ભીતિ રહેવાસીઓએ વ્યકત કરવા સાથે આજે સ્થળ પર
એકત્રિત થયા હતા. જ્યાં માર્ગ-મકાન વિભાગના એક્ઝિ. ઇન્જિનીયર ચિરાગભાઇ ડુડિયાને સ્થળ
પર રઘુવંશીનગર એ/1 ઝોન, રાવલવાડી ઉત્કર્ષ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ ઠક્કરે
સમસ્યાથી વાકેફ કરી આ માર્ગ મકાનોની પ્લિન્થની ઊંચાઇ સુધી બનાવવામાં આવે તેવી માંગ
કરતાં શ્રી ડુડિયાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રજૂઆત સમયે નરનારાયણનગરના પ્રમુખ
વિનોદભાઇ ઠક્કર તથા રહેવાસીઓ જોડાયા હતા.