• શુક્રવાર, 10 જુલાઈ, 2026

કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાનાં નામે મીંડું

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 9 : કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં  રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ આરોગ્ય સેવા પહોંચાડી હોવાના ભલે ગમે તેટલા દાવા કરાતા હોય પરંતુ હજુયે  નિયમિત ડોકટરો ન હોવાથી પ્રાથમિક, સામૂહિક અને અર્બન સહિતના કેટલાક આરોગ્ય કેન્દ્રો બોન્ડેડ તબીબોના હવાલે ચાલી રહ્યા છે, કેટલાક તો સાવ ડોકટર વિહોણા છે, 11 માસના કરાર આધારિત આ તબીબો પરીક્ષા સહિતના કારણોસર તેમને ફાળવાયેલી હોસ્પિટલોમાં પૂરતો સમય આપતા ન હોવાથી આરોગ્ય સુવિધાના નામે મીંડું જ  હોવાનો તાલ સર્જાય છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તક વર્તમાન સમયમાં 79 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 15 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ચાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને 17 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલાં છે, ભૂકંપ પહેલાંની તુલનાએ સરકારે વર્તમાન સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક દવાખાનાં  ઊભા કરી માળખાંકીય સુવિધા તો આપી, પરંતુ ખાટલે મોટી ખોટ કે આ દવાખાનાઓમાં નિયમિત ડોકટરો જ ન હોવાથી અંતરિયાળ વિસ્તારોમાં સર્જાતા અકસ્માતો વખતે અથવા તો અન્ય કિસ્સામાં દર્દીઓને તત્કાળ જરૂરી સારવાર પણ મળી શકતી નથી. - આરોગ્ય કેન્દ્રોમાં 88 નિષ્ણાત તબીબની જગ્યા ખાલી : કચ્છમાં 79 પ્રાથમિક, 15 સામૂહિક અને 17 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલાં છે જેમાં 88 જેટલા નિષ્ણાત ડોકટરની જગ્યા ખાલી છે, બાકી રહેતાં દવાખાનાઓ પૈકી કેટલાક બોન્ડેડના ભરોસે ચાલી  રહ્યા છે. વળી, અન્ય જિલ્લામાંથી આવેલા આ બોન્ડેડ તબીબો સ્થાનિક તંત્રને જાણ કર્યા વિના પરીક્ષા અથવા અન્ય કોઈ બહાને પોતાના વતનમાં ચાલ્યા જાય છે, તેથી તેમને ફાળવાયેલા આરોગ્ય કેન્દ્રમાં જગ્યા ખાલી જ રહે છે. - તબીબ ફાળવણીમાંયે કચ્છને અન્યાય : આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમ્યાન અન્ય જિલ્લાઓમાં ગાયનેક, સર્જન, ઓર્થો, બાળરોગ જેવા 221  જેટલા નિષ્ણાત ડોકટરની ફાળવણી કરાઈ, પરંતુ કચ્છમાં નિયમિત ડોકટરોની મોટી ઘટ હોવા છતાં માત્ર નવ તબીબ ફાળવાયા છે, તો તાજેતરમાં થયેલી મેડિકલ ઓફિસરોની  બદલીમાં કચ્છમાંથી સાત જેટલા અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી તેની સામે કચ્છમાં આવ્યા માત્ર એક જ અધિકારી. - સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓ અવાજ ઊઠાવે : શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ સહિતની ખાલી જગ્યાઓ મુદ્દે પીડા ભોગવતા સરહદી જિલ્લામાં આરોગ્યને લગતી ડોકટર જેવી અતિજરૂરી ખાલી જગ્યા મુદ્દે સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓએ અવાજ ઊઠાવવાની જરૂર હોવાનો સૂર જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. - બોગસ ડોકટરો અને  ઊંટવૈદ્યોનો ધીકતો ધંધો : અંતરિયાળ વિસ્તારોમાં સરકારી દવાખાનાઓમાં ડોકટરોના અભાવે નિયમિત સારવાર ન મળવાનાં કારણે અબડાસા, લખપત જેવા વિસ્તારોમાં પરપ્રાંતીય બોગસ ડોકટરો અને ઊંટવૈદ્યોને બખ્ખા થઈ પડયા છે, આવા ઝોલાછાપ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે, જો કે, કેટલાક કિસ્સામાં આવા બોગસ ડોકટરો સામે કાર્યવાહી થાય છે, તેમ છતાં મોટાભાગના ગરીબ દર્દીઓ તેનો ભોગ બનતા હોય છે. કચ્છમાં અગાઉ અબડાસાના વાયોર, ભચાઉના યશોદાધામ, લખપતના દયાપર, મુંદરા, રાપરના કાનમેર, આદિપુર, ભુજ તાલુકાના ઝુરા સહિતનાં ગામે બોગસ ડોકટર ઝડપાઈ ચૂક્યા છે, તો હજુએ ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વધુ વસ્તી  છે  ત્યાં અન્ય રાજ્યના આવા ઝોલાછાપ ડોકટરો કે ઊંટવૈદ્યો ફાવી ગયા છે જેમની સામે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ધોંસ બોલાવવી જરૂરી હોવાનો  સૂર જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. - લખપત-અબડાસામાં રેડિયોલોજીની વ્યવસ્થાનો અભાવ : બીજીતરફ છેવાડાના લખપત-અબડાસા વિસ્તારમાં સરકારી દવાખાનાંઓમાં રેડિયોલોજી જેવી  સુવિધા ન હોવાથી દર્દીઓને 150 કિલોમીટર જેટલું અંતર  કાપવું  પડતું હોય છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિઓમાં સારવાર મળે તે પહેલાં દર્દીઓ દમ તોડી દેતા હોય છે. - આરોગ્ય-શિક્ષણ જેવી સુવિધાના અભાવે ગામડાંઓમાંથી પલાયન : સીમાવર્તી કચ્છ જિલ્લામાં તબીબોના અભાવે આરોગ્ય તેમજ શિક્ષકોની ઘટનાં કારણે શિક્ષણ જેવી પાયાની સુવિધા મળતી ન હોવાથી સ્વાભાવિક રીતે ગામડાંઓમાંથી લોકો પલાયન થઈ રહ્યા છે, જે સરહદી વિસ્તાર માટે ભવિષ્યમાં જોખમરૂપ સાબિત થઈ શકે છે તેથી આવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સરકારે ગંભીરતાથી વિચાવાનો સમય પાકી ગયો છે. 

Panchang

dd