વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 8 : લખપત તાલુકામાં
સરકારના સિંચાઇ વિભાગ અને જિલ્લા જળત્રાવ વિકાસ એકમની મિલિભગતથી ખનિજમાફિયાઓનું સુનિયોજિત
ખનિજચોરીનું મોટું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. ડેમ, તળાવના બહાને કરોડો રૂપિયાની બેન્ટોનાઇટ ઊપડી
ગઇ છે. નવીનતાની વાત એ છે કે, ડેમ, તળાવના
કામોની મંજૂરી બેન્ટોનાઇટ વિસ્તારમાં જ કેમ મળે છે ? લખપત તા.નાં
અન્ય વિસ્તારોમાં કેમ નહીં....? છેલ્લાં બે વર્ષથી ખનિજમાફિયાઓ
ખુલ્લેઆમ સરકારને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે. વગદાર આગેવાનોની ટોળકી આખી સામેલ છે.
ભાજપ-કોંગ્રેસ પણ આ ધંધામાં એક જ છે. ઘણી વખત બે-ત્રણ વાહન, મશીન
પકડાય અને તેના ચાલક કે માલિક સામે દંડનો ગુનો નોંધાય....! પણ મૂળ સુધી પહોંચવાની તસ્દી
તંત્ર લેતું નથી. સામાન્ય વાહનચાલક કે વાહનમાલિક 10 લાખનો દંડ ભરે...! પાછું એ
જ વાહન પકડાય 10 લાખનો દંડ ભરે...! આ રકમ આપનારા
મોટા માથાઓ સામે ફરિયાદ પણ નથી થતી. કરોડોની ખનિજચોરીમાં કદાચ એકાદ વખત 10 લાખનો દંડ પડે, તો પણ દરિયાના પાણીમાંથી લોટો ભરી જવા જેટલું છે...! અને પ્રેમથી દંડ ભરી દે છે... ! કોઇ દલીલ વગર એ પણ નવીનતા છે, લોકો પૂછી રહ્યા છે કે, મૂરચબાણ, આશાલડી, સાયણ, જુલરાઇ, ડેડરાણી વિસ્તારમાં ડેમ-તળાવના કામ પૂરાં ક્યારે થશે ? શું તાલુકાના અન્ય આંતરિયાળ વિસ્તારમાં ડેમ-તળાવ કેમ ન બને....? કારણ કે, ત્યાં બેન્ટોનાઇટ નથી. દિવસ દરમ્યાન માટી કાઢી
રાત્રે એકત્રિત કરેલો બેન્ટોનાઇટનો જથ્થો કચ્છ બહાર પહોંચી જાય છે તેવું જાણકારોએ કહ્યંy હતું. સરકારી ચોપડા મુજબના જેસીબી જીજે-12-સીએમ-9262, હિટાચી મશીન જીજે-03-એટી-2933, જીજે-12-એટી-7262, જીજે-23-એડબલ્યુ-9797, જીજે-23-એડબલ્યુ-9034, જીજે-12-એવાય-3002, જીજે-09-એયુ-0603 વિગેરે વાહનો પકડાયા બધા છુટાં
થઇ ગયાં. વાહનો પકડાય એટલે વાહનમાલિકો સિંચાઇ વિભાગ કે જળત્રાવ વિકાસ નિગમનો વર્કઓર્ડર
રજૂ કરી દે છે અને કામને કાયદેસરતા મળી જાય છે....?
તેવું જણાવાયું હતું. જિલ્લા જળત્રાવ વિકાસ એકમના હુકમથી ફક્ત એક આશાલાડી
ગામમાં જ 78 તળાવની મંજૂરી
મળી છે અને 979 લાખ રકમનું કામ 6532.60 હેક્ટરમાં અપાયું છે. એક જ
ગામમાં સાત તળાવની મંજૂરી...! અને તે સંપૂર્ણ બેન્ટોનાઇટ વિસ્તારમાં છે...! હુકમમાં
માટી સિવાય અન્ય ખનિજ મળે તો ખાણ-ખનિજ ખાતાને જાણ કરવા સાત નંબરની કોલમમાં શરત બતાવાઇ
છે, પણ ખનિજચોરી જ કરવી છે, તો તંત્રને કામ જાણ કરાય ? અહીં સ્થાનિક આગેવાનોને પણ
`લાપશી'
મળતી હોવાથી ચકાસણીની ટીમ અચાનક આવે તેની રાત-દિવસ ચોકી કરતા હોય છે,
ત્વરિત મોબાઇલમાં મેસેજ મળી જાય છે ! મૂરચબાણ નાની સિંચાઇ યોજના મરંમત
અંગે પી.વી. મુંજપરાને પંચાયત સિંચાઇ વિભાગ કાર્યપાલક ઇજનેર દ્વારાનો વર્કઓર્ડર અપાયો
છે, ભુપાજી હેમરાજજી જાડેજાને 1,40,000નો વર્કઓર્ડર, અમન કન્સ્ટ્રક્શનને 2,15,02,792.61ની રકમનો ડેડરાણી માઇનોર
એરિગેશન સ્કીમ અંતર્ગત વર્કઓર્ડર તા. 16-3-26ના અપાયો છે, અન્ય વિવિધ તળાવ-ડેમનાં કામો માટે પણ વર્કઓર્ડર અપાયા છે, તો તાલુકાના અન્ય વિસ્તારમાં કેમ વર્કઓર્ડર અપાતા નથી તે પ્રશ્ન છે...! મેઘપરના
રમેશભાઇ બલિયાએ તો તમામ વિગતો માહિતી અધિકાર હેઠળ મેળવીને ખનિજચોરી બાબતે જિલ્લા કલેક્ટર
કચેરીમાં પત્ર લખી ગેરકાયદેસર ખનિજચોરી અટકાવવા માંગ કરી છે. મૂરચબાણ, સામજિયારા, જુલરાઇ, આશાલડી,
સારણ, કોટડા (મઢ) વિસ્તારોમાં ખાણેતરાંનાં કામો
અને સરકારી વિભાગોના મંજૂરી હુકમથી ખનિજચોરીનાં કૌભાંડ ચાલુ છે. અલ્તાબ મુસા (વીડી,
તા. અંતાર)ના વાહનો પકડી ફ્લાઇંગ સ્ક્વોર્ડે 11,62,290નો દંડ કર્યો, જેમાં પી.વી. મુંજપરાના નામે વર્કઓર્ડર ઇસ્યૂ
થયો હતો, તો તેનો દુરુપયોગ કરાયાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.
ખતીજા જમાલશા સૈયદને 1,49,736, નોતિયાર
ગુલામ મુસ્તફા મામદ હુસેનને 10,46,487નો
દંડ કરાયો હતો, જેમાં અમન કન્સ્ટ્રક્શનનો
વર્કઓર્ડર રજૂ કરાયો હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે, તો આશાલડી
ગામમાં ખનિજચોરી, મૂરચબાણના સરકારી જમીન સર્વે નં. 150, 174માં મોટા ખાડા કરી બેન્ટ્રોનાઇટ
ઉપાડી જવાયું છે, જેમાં સિંચાઇ
ખાતાના વર્કઓર્ડર આગળ ધરાયા છે. સિંચાઇ ખાતાના અગાઉ એક અધિકારીને આ બાબતે નોટિસ પણ
તત્કાલીન કલેક્ટર દ્વારા અપાઇ હતી. જે-તે વખતે નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ યદુનંદન કન્સ્ટ્રક્શન,
સર્વોદય વિકાસ ટ્રસ્ટને સર્વે નં. 167, 182, 150માં ગેરકાયદેસર ખનિજચોરી બદલ
1,43,40,083 (દોઢ કરોડ) જેટલો દંડ કરાયો
હતો. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા બે વર્ષથી ચાલતી ખનિજચોરીને બંધ કરાવવા બેન્ટોનાઇટ
વિસ્તારમાં ડેમ-તળાવના બોગસ હુકમો આપવાનું બંધ કરવા વિભાગોને કડક સૂચના આપવા માંગ ઊઠી છે, જો તેમ ન થાય તો ઠેર-ઠેર મોબાઇલ ચેકપોસ્ટ શરૂ
કરી અને રોયલ્ટીની ચકાસણી કરવા વ્યવસ્થા કરવી જોઇએ. કારણ કે, ખનિજ વિસ્તારમાં જ કેમ મંજૂરી અપાય છે, તે મોટો પ્રશ્ન
હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.