• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ઘોરાડ કુળને બચાવવા નવો વારસદાર...

નલિયા, તા. 9 : લુપ્ત થવાના આરે ઊભેલા વિશ્વના સૌથી વજનદાર પક્ષી `ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ' (ઘોરાડ)ના કુળને નવો વારસદાર મળ્યો છે. અબડાસા તાલુકાના નલિયા અભયારણ્યમાંથી એવા સમાચાર આવ્યા છે, જે સાંભળીને પ્રકૃતિપ્રેમીઓની આંખો હરખથી છલકાઈ ગઈ છે. `જમ્પ સ્ટાર્ટ' પ્રોજેક્ટ હેઠળ અહીં વધુ એક બાળ ઘોરાડનો જન્મ થયો છે અને સૌથી મોટી રાહતની વાત એ છે કે, આ નાનકડો જીવ મોતને હાથતાળી આપીને સફળતાપૂર્વક 50 દિવસ પૂરા કરી ચૂક્યો છે. હાલ તે સંપૂર્ણ તંદુરસ્ત છે, પણ તેની પાછળ વનવિભાગની રાત-દિવસની જે સખત મહેનત  કામે લાગી છે. - રાજસ્થાનથી કચ્છ ...  : આ બાળ પક્ષીના જન્મની કહાની ખૂબ જ રસપ્રદ છે. ગત તારીખ 10 મે, 2026ના રાજસ્થાનનાં રણમાં ત્યાંની એક માદા ઘોરાડે ઈંડું મૂક્યું હતું. કચ્છમાં આ પ્રજાતિ સાવ ખતમ ન થઈ જાય તે માટે વનવિભાગ આ કિંમતી ઈંડાંને અત્યંત સાવચેતીપૂર્વક તારીખ 18 મેના  નલિયા લાવ્યો હતો. નલિયા અભયારણ્યમાં બચેલી કચ્છની છેલ્લી અને એકમાત્ર માદા ઘોરાડે આ દત્તક ઈંડાંને પોતાની મમતા છાંટીને સેવવાનું શરૂ કર્યું અને બરાબર ત્રણ દિવસ બાદ એટલે કે તારીખ 21 મેના એ ઈંડું તૂટ્યું અને તેમાંથી કચ્છના આ નવા મહેમાનનો જન્મ થયો. - 24 કલાક `ઝેડપ્લસ' : અગાઉના એક કડવા અને દર્દનાક અનુભવમાંથી પાઠ લઈને આ વખતે વનવિભાગ કોઈ જોખમ લેવા નહોતું માગતું. સીસીએફ ધીરજ મિત્તલ અને ડીસીએફ હર્ષ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ નલિયા ફોરેસ્ટ સ્ટાફ આ નાનકડાં પક્ષી પર 24 કલાક સીસીટીવી અને બાયનોક્યુલરથી નજર રાખી રહ્યો છે. વન કર્મચારીઓ માટે આ માત્ર નોકરી નથી, પણ કચ્છના ગૌરવને બચાવવાની લડાઈ બની ગઈ છે. - ભવિષ્ય દાવ પર... : 50 દિવસની સફળતા એ માત્ર શરૂઆત છે. જો આ બાળ ઘોરાડ મોટું થઈને આકાશમાં ઊડવા માટે સક્ષમ બની જશે, તો રાજસ્થાનથી વધુ ઈંડાં લાવીને કચ્છના રણને ફરી ઘોરાડથી ગુંજતું કરવાનો રસ્તો સાફ થઈ જશે, પરંતુ જો ઈશ્વર ન કરે ને આ વખતે કંઈ અઘટિત ઘટ્યું તો આ પ્રોજેક્ટ પર કાયમી ધોરણે તાળાં લાગી જશે અને ગુજરાતના નકશામાંથી ઘોરાડનું નામ સદા માટે ભૂંસાઈ જશે. 

Panchang

dd