• બુધવાર, 27 મે, 2026

રીવા ખાતે માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વીના અવસાનના બનાવની ઉચ્ચસ્તરીય તપાસની માંગ

ગાંધીધામ, તા. 26 : મધ્યપ્રદેશના રીવામાં માર્ગ અકસ્માતમાં  બે  જૈન સાધ્વીઓના અવસાન નીપજ્યાના બનાવના  ગાંધીધામમાં પણ પડઘા  પડયા  હતા. આ દરમ્યાન વિહારરત  જૈન સાધુ-સાધ્વીઓની સુરક્ષા વ્યવસ્થા, રાષ્ટ્રીય સંત સુરક્ષા નીતિ બનાવવા સહિતની ભારપૂર્વકની માંગ કરવામાં આવી હતી. ગાંધીધામ ખાતે અખિલ કચ્છ દિગંબર જૈન સમાજ અને સમસ્ત જૈન સમાજ દ્વારા આજે  મધ્યપ્રદેશની ઘટનાના વિરોધમાં  મૌન રેલીનું આયોજન કરાયું હતું. ગાંધીમાર્કેટ ખાતે સૌ એકત્ર થયા હતા. ત્યારબાદ ગાંધીધામ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી હતી. મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમાં   રીવાની ઘટનાની ઉચ્ચસ્તરીય  તપાસ એસ.આઈ.ટી. અથવા ન્યાયિક રીતે કરાવવા, દોષીઓ સામે કડક કાર્યવાહી કરાય, સુનિયોજિત કૃત્ય અથવા ષડયંત્ર જણાય તો તે મુજબ ભારી કલમોનો ઉમેરો કરવા, સંત સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરાય,  વિહાર માર્ગો ઉપર પ્રશાસનિક બંદોબસ્ત રાખવામાં આવે, ટ્રાફિક નિયંત્રણ, ચેતવણી સંકેત, પગપાળા વિહાર કરતા સંતો માટે  વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવા, સંતો વિરુદ્ધના અપરાધોને વિશેષ સંવેદનશીલ શ્રેણીમાં રાખવા માંગ કરાઈ હતી. કારણ કે, સાધુ -સંત આત્મરક્ષા નથી કરતા, વાહન અને સુરક્ષા સાધનોનો ઉપયોગ નથી કરતા તેમજ સંપૂર્ણ અહિંસક જીવન જીવે. છે તે સહિતની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યા પ્રમાણે જૈન સમાજ સદાય શાંતિ, અહિંસા, કાનૂન અને સંવૈધાનિક  મર્યાદાઓમાં વિશ્વાાસ રાખે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનઆઓ રોકવા અને તપસ્વી સંતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઈ હતી. આ વેળાએ બૃહદ જૈન સમાજના અધ્યક્ષ  ચંપાલાલજી પારખ, કચ્છ દિબંગર જૈન સમાજના અધ્યક્ષ  અશ્વિન જૈન, મંત્રી મનોજકુમાર ગંગવાલ, તેરાપંથ સમાજ ગાંધીધામના અધ્યક્ષ અશોકજી સંઘવી, રાજસ્થાન જૈન નવયુવક ગાંધીધામના પ્રમુખ ઝવેરીલાલ નાહટા, ગાંધીધામ સુધરાઈના પૂર્વ પ્રમુખ તેજશ શેઠ, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ રોહિત શાહ, મુકેશ પારખ, જિતેન્દ્ર સી. જૈન (સેઠિયા), પારસમલ નાહટા, રૂપેન્દ્રજી જૈન, રાકેશ અજમેરા, શ્રીચંદ ગંગવાલ,  મુકેશ મહેતા, મિતેશ ધરમશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd