હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 26 : અમેરિકા-ઈરાન વચ્ચે જોવા મળતા યુદ્ધના
માહોલની અનેક વિપરીત અસરો હવે ચિંતાનું સ્વરૂપ
સર્જી રહી છે. યુદ્ધના આ માહોલનાં પગલે સર્જાયેલી ડીઝલની અછત અને ડામરની તંગીના બેવડા
મારથી કચ્છમાં માર્ગ-મકાન વિભાગ હસ્તકનાં લગભગ 100 કરોડથી વધુનાં કામો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. જો આ સ્થિતિ
લાંબો સમય રહી તો કામો સંપૂર્ણપણે ઠપ થાય તેવું સંકટ ઊભું થયું છે. ડીઝલની તંગી તો
છેલ્લા કેટલાક દિવસથી સર્જાઈ છે, પણ ડામર તો છેલ્લા દોઢ-બે માસથી મળતો જ ન હોવાનાં
કારણે ડામરકામ તો બંધ જેવું થઈ ગયું છે. - ઉચ્ચ ગુણવત્તાવાળો વીજી 40 ડામર મળતો જ નથી : ગુજરાતમાં
વડોદરાના કોયલી સ્થિત રિફાઈનરીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો વીજી 40 ડામર મળતો જ નથી. વીજી 40 ડામરનો ઉપયોગ ભારે વાહનવ્યવહાર
ધરાવતા માર્ગનાં નિર્માણમાં કરવામાં આવે છે. આ ડામર વધુ ઘટ અને મજબૂત હોવાથી વધુ અસરકારક
માનવામાં આવે છે. મધ્યમ ટ્રાફિકવાળા માર્ગ માટે વપરાતો ડામર ઉપલબ્ધ છે, પણ તેનો ઉપયોગ
કચ્છમાં ઓછો થાય છે. - ઈમ્પોર્ટેડ
ડામરના ઉપયોગની મનાઈથી હાલાકી : માર્ગ-માકન વિભાગ હસ્તક ચાલતા માર્ગ અને
બાંધકામ નિર્માણનાં કામોમાં ઈમ્પોર્ટેડ ડામરનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. આ નિર્ણયનાં
કારણે કોન્ટ્રાક્ટરો આ પ્રકારના ડામરનો ઉપયોગ કરી શકતા ન હોવાથી હાલાકી ઘણી વધી ગઈ
છે. કોન્ટ્રાક્ટરોએ ડામર મેળવવા માટે એડવાન્સ ચૂકવણું કરી દીધું હોવા છતાં ડામર મળતો
ન હોવાથી રસ્તાનાં કામો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. - ડીઝલની તંગીથી મશીનરીનું
સંચાલન અટક્યું : ડીઝલની તંગીથી થતા માર્ગ- મકાન વિભાગ
હસ્તકનાં કામોમાં વપરાતી મશીનરીનું સંચાલન અટકી પડયું છે. ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં
ન મળતાં મશીનરી અટકાવી દેવામાં આવતાં ઠેકેદારોનું આર્થિક ભારણ વધી ગયું છે, જે મહત્ત્વનાં
કામો ચાલી રહ્યાં છે તેમાં હાલ આ બેવડા સંકટની વ્યાપક અસર પડેલી દેખાઈ રહી છે. - ભુજમાં રિંગરોડનાં કામને
પણ અસર : માર્ગ-મકાન વિભાગના ચિરાગ ડુડિયાના જણાવ્યાનુસાર
ભુજમાં રિંગરોડ વિસ્તૃતીકરણનાં કામોમાં આ બેવડા સંકટની અસર પડી છે. દોઢેક માસથી ડામર ન થઈ શકતાં કામોની
ગતિ ધીમી પડી છે. આ ઉપરાંત અન્ય કામો પણ પ્રભાવિત થઈ રહ્યાની વિગત તેમણે આપી હતી. - કામો અટકે નહીં તેવા પૂર્ણ
પ્રયાસ : માર્ગ-મકાન વિભાગના અધિકારી કલ્પેશ નાઈના
જણાવ્યાનુસાર કચ્છમાં કામો અટકે નહીં તે માટે પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે. કચ્છમાં
ત્રણ ડામર પ્લાન કાર્યરત છે તેમાંથી જથ્થો મેળવાઈ રહ્યો છે. કચ્છમાં એક અંદાજ અનુસાર
100 કરોડથી વધુનાં કામો ચાલી
રહ્યાં છે, એ કામો ચાલુ રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.