• ગુરુવાર, 28 મે, 2026

વિકાસનાં નામે પર્યાવરણનો વિનાશ સાંખી નહીં લેવાય

છગનભાઇ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 26 : તાલુકાના નાની બન્ની વિસ્તારમાં સૂચિત સોલાર પ્રોજેક્ટ સામે ઊઠેલો વિરોધનો વંટોળ તીવ્ર બન્યો છે. વિકાસ જરૂરી છે, પણ આ વિકાસનાં નામે માનવીય હક્કો અને પર્યાવરણનો વિનાશ સાંખી લેવાશે નહીં તેવી આકરી ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. અબડાસાના ધારાસભ્યે પણ આ મુદ્દે જમીનની પુન: માપણી કરવાની માંગ સાથે 11 ગામના આગેવાનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તાલુકાના નાની બન્ની વિસ્તારમાં આવેલા યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ જ્યાં શિયાળાની મોસમમાં દેશ-વિદેશથી કુંજ, પેણ, ગીધ, બતક, ટુબણ, બગલા, સમરી, ટીટોડી, રણકાગડા જેવા વિવિધ જાતનાં પક્ષીઓનો મહાકુંભ ભરાય છે અને તેને નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. બીજીતરફ પશુપાલક -માલધારીઓ સેંકડોની સંખ્યામાં પશુપાલન આધારે પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. ફુલાય જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ફુલાય, તલ, છારી, લૈયારી, મોતીચૂર, વેડહાર મોટી, પૈયા, ગેચડો, અજોરિયા વાંઢ, તલવાંઢ સહિત 11 ગામોમાં મુખ્યત્વે જત, મુતવા કોમના માલધારીઓની વસ્તી ધરાવતા ગ્રામજનો મુખ્યત્વે પશુપાલન તથા ચોમાસાની એક જ મોસમમાં વરસાદ આધારિત ખેતરોમાં વાવેતર કરેલ પેદાશ આધારિત જીવનનિર્વાહ ચલાવે છે એવા સીમાડા આધારિત જીવન ગાળતા શ્રમિક વર્ગના લોકોને બદલાયેલા સમયની સાથે તાલ મિલાવવા જ્યારે સમગ્ર દેશમાં નવી ટેક્નોલોજીથી વીજ ઉત્પાદનના અદ્યતન પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે ત્યારે આ નાની બન્ની વિસ્તારમાં જ્યાં કોઇ માનવ, પશુ-પક્ષી, પર્યાવરણને હાનિ ન પહોંચે તેવી જગ્યાએ કોઇ એવા વિકાસનાં કામો થાય તે માટેની લોકોની ઝંખના છે. - પ્લાનમાં રાતોરાત બદલાવ : એન.ટી.પી.સી. અંતર્ગત હિલ્ડ એનર્જી કંપની દ્વારા આ વિસ્તારમાં 4500 એકરમાં પ્રોજેક્ટ સ્થાપવાના પ્રસ્તાવથી અહીં સોલાર પ્લાન્ટ સ્થાપિત થવાથી આર્થિક રીતે પછાત વિસ્તારના સ્થાનિક લોકોને રોજીરોટીની સમસ્યા તથા ઉદ્યોગનાં કારણે આર્થિક વિકાસ થશે એવા ઓરતાંથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આથી અહીંની જૂથ ગ્રામ પંચાયત, રાજકીય અગ્રણી, પદાધિકારીઓ પ્રોજેક્ટ સ્થાપવા માટેની કંપનીને મંજૂરી માટે સંમત થઇ 4500 એકર જમીનની ફાળવણી પણ કરવા સંમતિપત્ર આપવામાં આવ્યા હતા, પણ સદરહુ જમીનની હદ - નકશા- પ્લાન્ટ કંપનીએ ગ્રામ પંચાયત તથા લોકપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર આ જમીન પર સફાઇ કામ, ઇજનેર કામદારો માટે કવાર્ટર નિર્માણ માટે બુલડોઝર, જેસીબી યંત્રો કાર્યરત થયાં ત્યારે માલૂમ પડયું કે, જે સ્થળે સોલાર પ્રોજેક્ટ નિર્માણ કરવા મંજૂરી આપવામાં આવી છે તેને બદલે તેથી વિરુદ્ધ કંપનીએ બનાવેલા પ્લાનમાં પ્રોજેક્ટ સ્થાપવાની ગતિવિધિ હાથ ધરી છે. આ પ્લાન્ટમાં વસ્તીના ગામોમાં રહેવાના મકાન, દરગાહ, મસ્જિદ, વિવિધ ધાર્મિક, સામાજિક જગ્યાઓ આવતી હોવાનાં કારણે લોકોના હિતને ધ્યાનમાં રાખી ફુલાય ગ્રા.પં. તથા સંલગ્ન 11 ગામના લોકોએ કંપનીનું મનસ્વીપણુ, ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે બુલંદ અવાજ ઉઠાવ્યો છે, તે અંતર્ગત તાજેતરમાં સમાચારપત્રોમાં કંપની વિરુદ્ધ જાહેર ચેતવણી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. - 11 ગામોનો ઉગ્ર વિરોધ : 11 ગામોના લોકોના હેતુને ધ્યાનમાં લઇ કંપની દ્વારા પ્રોજેક્ટ પ્લાન્ટના નકશા જાહેર કર્યા વગર શરૂ કરાયેલાં કામ સ્થગિત કરવા બુલંદ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કંપનીના વિવાદી વલણ સામે અવાજ ઉઠાવવા તમામ ગ્રામજનોની વિશાળ સભા, કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. કંપની દ્વારા પ્રોજેક્ટ કામની કામગીરી હાથ ધરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરાશે. - ધારાસભ્ય પણ હરકતમાં આવ્યા : છારીઢંઢ, રામસર સાઇટ, નાની બન્ની વિસ્તારનાં ગામોના રહેવાસી, પશુપાલક માલધારીઓના રહેઠાણો, ધાર્મિક સ્થળો તેમજ પશુ-પક્ષીઓના ઘરોને હાનિ કરતા પ્રોજેક્ટની કામગીરીની ગતિવિધિ સંદર્ભે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમિત્રને જણાવ્યું કે, સોલાર પ્રોજેક્ટ સ્થાપિત થાય અને ઉદ્યોગ વિકાસથી સ્થાનિક લોકોને રોજીરોટી માટે તક ઊભી થાય તે સામે કોઇ વાંધો નથી, પણ એન.ટી.પી.સી. અંતર્ગત હિલ્ડ એનર્જી કંપની દ્વારા પ્રોજેક્ટ સ્થાપવા માટેના નકશા પ્લાન્ટ બતાવ્યા વગર પ્રોજેક્ટ માટે હાથ ધરવામાં આવેલ કામગીરી અયોગ્ય હોઇ તે માટે આ વિસ્તારની ગ્રામ પંચાયત-લોકોને વિશ્વાસમાં લઇ પ્લાન્ટ માટેની જમીનની માપણી -રિસર્વે કરવામાં આવે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. ફુલાય જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 11 ગામોના ગ્રામ પંચાયતના પદાધિકારી, આગેવાનો દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. 

Panchang

dd