• ગુરુવાર, 28 મે, 2026

નિરોણા ગામે આરસીસી રોડ `અકસ્માત ઝોન'

નિરોણા (પાવરપટ્ટી), તા. 26 : તાજેતરમાં રતનાલ બાયપાસ રોડ પર અધૂરી કામગીરીને લઇ થયેલા અકસ્માતમાં ત્રણ જિંદગી ભોગ બની હતી. પાવરપટ્ટીનાં નિરોણા ગામ વચ્ચેથી નીકળતા ડામર રોડને આર.સી.સી. રોડ બનાવવાની કામગીરીમાં અનેક અધૂરાશોને લઇ આ રોડ અકસ્માત ઝોન બન્યો છે. વહેલી તકે રોડમાં રોડી મુકાયેલી અધૂરી કામગીરી રતનાલ બાયપાસ જેવી ઘટના ન સર્જાય તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરી અધૂરાશો પૂરી કરવાની માંગ ગામલોકો કરી રહ્યા છે. થોડા સમય પૂર્વે પાવરપટ્ટીમાંથી નીકળતા લોરિયાથી બિબ્બર સુધીના ડામર રોડનું કામ હાથ ધરાયું હતું. સાથે નિરોણા ગામ વચ્ચેથી નીકળતા ડામર રોડને કાઢી એકાદ કિ.મી. જેટલા આર.સી.સી. રોડનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારે વિવાદ વચ્ચે આ સિમેન્ટ રોડનું કામ પૂર્ણ થયું, પરંતુ તેની ધારદાર કિનારીઓની બંને બાજુએ ચોક્કસ માટીકામનું પૂરણ કરવાનું હોય છે, પરંતુ એ મેટલને બદલે ડામર રોડમાંથી નીકળેલા ડાબકા અને ડામરનો મલબો જ પાથરી દેવામાં આવ્યો છે, જેને લઇ બંને સાઇડ ભારે જોખમી બની છે. ગામ વચ્ચેના પોલીસ સ્ટેશન નજીક એ રોડની સાઇડો છોડી દેવાતાં વાહનોથી ધમધમતા એ વિસ્તારના રોડની સાઇડો યમદૂત બની હોવાનું જણાવાયું હતું. ગામની વચ્ચેથી નીકળતા આ રોડની બંને બાજુએ અનેક દુકાનો અને અવરજવરના રસ્તાઓ નીકળતા હોઇ સાઇડો પર મેટલને બદલે ડાબકા અને ડામરનો મલબો ખાસ કરીને દ્વિચક્રી વાહનોને રોડ ઉતારવા માટે ભારે પરેશાની કરે છે. સિમેન્ટ રોડ પૂરો થયા પછી રોડની કિનારીઓ અને વચ્ચે પીળા રંગના પટ્ટાઓ બનાવવા જરૂરી છે, પરંતુ આ કામગીરી પણ અધૂરી છોડી દેવામાં આવી છે. એ રોડ વચ્ચેથી આહીરવાસ નજીક નીકળતી નિરોણા સિંચાઇની કેનાલ પર દાયકાઓ અગાઉ પુલ બનાવવામાં આવ્યો હતો. રોડની કામગીરી દરમ્યાન એ જર્જરિત પુલ તૂટી પડયા પછી કામચલાઉ ધોરણે ત્યાં સિમેન્ટના મોટા પાઇપો ગોઠવી રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. હાલ પણ એ પુલ એ જ હાલતમાં હોઈ ત્યાં પાઈપો ઉપરથી સિમેન્ટ-માટીની સામગ્રી ઊખડી જતાં પુલનો ભાગ ભારે મુશ્કેલી ઊભી કરી છે. એટલું જ નહીં પુલની બંને બાજુ પર દીવાલની આડશ પણ હોઇ રાત્રિના એ પુલિયા પરથી પસાર થતાં ભારેખમ વાહનો માટે જાનહાનિ સર્જી શકે છે તેવું ગામલોકો જણાવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી આ આર.સી.સી. રોડ પર ખાસ કરીને દ્વિચક્રી વાહનોના અકસ્માતની ઘટના વધી છે. રોડ સુધારણા પછી અધૂરાશોને લઇ ગામલોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. ગામની ગ્રામ પંચાયતે પણ રોડમાં અધૂરાશોની લાંબી યાદી બનાવી તેની પૂર્તતા માટે સંબંધિત વિભાગને લેખિતમાં રજૂઆત પણ કરી હોવા છતાં વહીવટી તંત્રે આ ફરિયાદને ધ્યાને ન લેતાં આ રોડ પર રતનાલ બાયપાસવાળા રોડ પર ઘટેલી દુર્ઘટના સર્જાઇ શકે છે તેવી ભીતિ ગામના નાગરિકો જણાવી રહ્યા છે. 

Panchang

dd