ગાંધીધામ, તા. 26 : ગાંધીધામ - આદિપુરમાં રસ્તાઓનાં
કામને કારણે બધી જગ્યાએ ખોદકામ થયેલું છે. લોકો તકલીફમાં છે અને વરસાદ પણ ઉપર છે. માર્ગોનાં
કામ ઝડપથી પૂર્ણ થાય, તેને પ્રાથમિકતા અપાશે તેવી નેમ મહાનગરના પ્રથમ મેયરે વ્યક્ત
કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકામાં 41 બેઠક સાથે સત્તામાં આવેલા
ભાજપે મહાનગરના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણીને બનાવ્યા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં
લોકોનાં કામ માટે પોતે 24 કલાક કાર્યરત
રહેશે તેમ જણાવીને ચૂંટાયેલા કોર્પોરેટરોના સહકારથી મહાનગરના વિકાસને વેગ આપવામાં આવશે.
ખાસ કરીને રસ્તાઓનાં કામ ચાલુ છે અને ઠેકઠેકાણે ખોદકામ થયું હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. રસ્તાનાં કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કાર્યવાહી
કરવામાં આવશે. ઉપરાંત વરસાદ માથે છે એટલે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની
દિશામાં પણ પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભાજપ સંગઠનની સવારે રોટરી ભવન ખાતે બેઠક મળી હતી, જેમાં દિવ્યાબેનને પ્રથમ
મેયર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નવીનભાઈ જરૂને
ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. કમિટીના ચેરમેન તરીકે પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ,
શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી અને દંડક સુરેશભાઈ ધુઆને બનાવવામાં આવ્યા છે.
વરણી દરમિયાન જિલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મૂળજીભાઈ
આહીર, મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ મહાનગર પ્રભારી ઉમેશ સોની, મોમાયાભા ગઢવી, જિલ્લાના
મહામંત્રી ભીમજીભાઇ જોધાણી, મંત્રી કંચનબેન, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનની બેઠક બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર
સંજય રામાનુજની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,
જેમાં મેયર તરીકે દિવ્યાબેનને 41 મત મળ્યા
હતા, જ્યારે કોંગ્રેસના રાધાસિંહ ચૌધરીને 11 મત મળ્યા હતા, તો ડેપ્યુટી મેયર નવીનભાઈ બિનહરીફ થયા હતા. સામાન્ય
સભામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના કોર્પોરેટર ધનજીભાઈ અને કોંગ્રેસ કોર્પોરેટર
ભરત ગુપ્તા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. કોંગ્રેસ જેટલો બહાર વિરોધ કરતી હતી અને ગુપ્ત
મતદાનની વાતો કરવામાં આવી હતી તે સામાન્ય સભામાં જોવા મળ્યું નથી. આગામી સમયમાં કોંગ્રેસે
મહાનગરપાલિકાના વિકાસ માટે સક્રિય ભૂમિકા નિભાવવી પડશે તેવું જાણકારો કહી રહ્યા છે.
નવા હોદ્દેદારોને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે મેયરની
ચૂંટણી દરમિયાન મહાનગરપાલિકા કચેરીમાં મોટી સંખ્યામાં ભીડ ઊમટી હતી. બંને પક્ષના કાર્યકરો
અને શહેરના નાગરિકો પણ જોડાયા હતા. ઢોલ-નગારા સાથે મેયર તેમજ ડેપ્યુટી મેયરને ચેમ્બરમાં
પદ ગ્રહણ કરાવ્યું હતું. - મહાનગરના સત્તાધીશો : મેયર - દિવ્યાબેન નાથાણી - ડેપ્યુટી મેયર-નવીનભાઈ જરૂ - સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન-તેજસ શેઠ - શાસક પક્ષ નેતા-ભરત મીરાણી - દંડક - સુરેશભાઈ ધુઆ : પૂર્વ પ્રમુખને
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા - ચેરમેન-તેજસ શેઠ - વિક્રમ મુલચંદાણી - વિજય પરમાર - સતીબેન મ્યાત્રા - કેશવજી પરમાર - મીનુબેન ગોયલ - મહેશ ગઢવી - હસ્તાબેન સથવારા - વિમલેશ શર્મા - દીપિકાબેન નાયક - પ્રીતિબેન ગોસ્વામી
- શીલ્પાબેન પટેલ