અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ
શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) ગાંધીનગર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા
છે. 'પદ્મશ્રી'થી સન્માનિત ફોરેન્સિક યુનિ.ના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ અને અદાણી યુનિવર્સિટીના
પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણીની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. એનએફએસયુ-ગાંધીનગરના
કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને ડો. ધવલ પૂજારા, પ્રોવોસ્ટ, અદાણી યુનિવર્સિટી દ્વારા આ કરાર પર હસ્તાક્ષર
કરવામાં આવ્યા હતા. આ કરાર બન્ને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ, સંશોધન શ્રેષ્ઠતા અને નવીનતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ફોરેન્સિક
યુનિ.ના કુલપતિ વ્યાસે જણાવ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ સમજૂતી
કરાર બન્ને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની શિક્ષણ-સંશોધન પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને એન્જિનિયારિંગ,
વિજ્ઞાન અને મેનેજમેન્ટના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ
બની રહેશે. સેમિનાર, પરિસંવાદો અને શૈક્ષણિક ચર્ચાઓના સંયુક્ત
આયોજન દ્વારા વૈશ્વિક સ્તરના શૈક્ષણિક આયોજન થશે. ફોરેન્સિક યુનિ.ના કેમ્પસ ડાયરેક્ટર
પ્રો. (ડૉ.) જુનારેએ જણાવ્યું હતું કે, બંને શૈક્ષણિક સંસ્થાઓ
સંયુક્ત રીતે ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને મહત્વપૂર્ણ સંશોધન મુદ્દાઓને સ્પર્શતી બેઠકોનું
પણ આયોજન કરશે.