ગાંધીધામ, તા. 29 : માત્ર 77 વર્ષની
વયે ગાંધીધામ શહેર કચ્છનું પ્રથમ મહાનગર બન્યું.
પ્રથમ મહાપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે આ 41 બેઠક સાથે સત્તાનું સુકાન પુન: મેળવ્યું છે, ત્યારે હવે ગાંધીધામના પ્રથમ મેયર કોણ તે અંગે
ચર્ચા શરૂ થઈ છે. મહાનગરપાલિકા કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેયરની હાઈટેક ચેમ્બર બનાવવા માટેની
કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. ગાંધીધામ મહાનગર પ્રથમ મેયર પદનું રોટેશન સામાન્ય
મહિલાનું છે. મહાપાલિકાની પ્રથમ બોડીમાં સામાન્ય
મહિલાઓમાં ગત ટર્મમાં પણ રહેલા અને નવાચહેરા
પણ ચૂંટાયા છે. શાસક પક્ષ મેયર પદ માટે જ્ઞાતિ સમીકરણ ને પ્રાધાન્ય આપે છે કે અનુભવને
પ્રાધાન્ય આપે છે તેના ઉપર સૌ કોઈની
મીટ મંડાઈ છે. મતદાન વખતે અને આજે
ગણતરી પૂર્ણ થયા બાદ પણ મેયર પદે કોણ આરૂઢ થશે તે અંગેની ચર્ચાએ જોર પકડયું છે. અંતરંગ વર્તુળોમાંથી ચર્ચાતી વિગતો મુજબ વોર્ડ આઠમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા મીનુબેન ગોયલ,
વોર્ડ 11માંથી ચૂંટાયેલા અનિતાબેન દક્ષિણીનાં
નામ ચર્ચામાં હોવાના અહેવાલો સાંપડી રહ્યા
છે. આ વખતે સિંધી સમાજને માત્ર ચાર ટિકિટ આપવામાં
આવી છે. સિંધી સમાજને લાંબા અરસાથી સુધરાઈનું પ્રમુખ પદ મળ્યું નથી. જો કે, કારોબારી ચેરમેનનું પદ મળ્યું
છે અને એ પણ સતત પાંચ વર્ષ સુધી, પરંતુ જ્ઞાતિ સમીકરણમાં સિંધી સમાજને
મેયર પદ અપાય છે કે કેમ તે જોવું રહ્યું.
સિંધી સમાજના ચાંદનીબેન ક્રિપલાણી અને પૂજાબેન વિનોદ લાલવાણી ચૂંટાયા છે. આ ઉપરાંત
મહત્ત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનનું પદ કોને મળે છે તેની પણ ચર્ચાએ જોર પડકયું
છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉનો વોર્ડ સાત અને હાલના વોર્ડ 11એ અનેક પ્રમુખ આપ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા
છે. આગામી સમયમાં પક્ષ મેયર પદ કોને બેસાડે
છે તે જોવું રહ્યું.