• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ઘોરાડનાં બચ્ચાંની શોધખોળ કરતું વનતંત્ર

ભુજ, તા. 29 : અબડાસાના ઘોરાડ અભયારણ્યમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ઇંડાંમાંથી ઘોરાડનાં બચ્ચાનો જન્મ થયો ને એક નવી આશા બંધાઇ હતી, 20 દિવસમાં તો આ બચ્ચું 10 ફૂટ ઊંચે ઊડવા પણ લાગ્યું, પરંતુ છેલ્લા અઠવાડિયાથી જોવામાં નહીં આવતાં વનતંત્ર ચિંતિત બન્યું છે. પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરને પૂછતાં તેમણે પણ જણાવ્યું કે, 26 સ્કેવર કિલોમીટરના વિસ્તારમાં બચ્ચું જોવા નથી મળ્યું. અમારી શોધખોળ ચાલુ છે. છતાં, છેલ્લા 3-4 દિવસથી વન વિભાગ અથવા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોને બચ્યું નજરે પડ્યું નથી. આ માટે કરવામાં આવેલી વધારાની દેખરેખ છતાં પણ બચ્ચું જોવા મળ્યું નથી. આ વિસ્તાર તથા આસપાસનો વિસ્તાર વિવિધ શિકારી પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન હોવાથી બચ્ચું આવા જંગલી પ્રાણીઓ  દ્વારા શિકાર બન્યું હોવાની સંભાવના રહેલી છે. કોઈપણ પ્રજાતિનાં સંરક્ષણ અને પુન:સ્થાપન માટે લાંબા ગાળાના, વૈજ્ઞાનિક અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જમીન પર માળો બનાવતી પ્રજાતિ હોવાથી તેના પ્રારંભિક તબક્કામાં મૃત્યુદર ઊંચો રહે છે, જેમાં આશરે 40 ટકા ઈંડાંમાંથી બચ્ચા જન્મે છે અને જન્મેલા બચ્ચાંમાંથી આશરે 60 ટકા બચ્ચાં પ્રથમ બે મહિના સુધી જીવિત રહે છે. ત્યારબાદ તેમની જીવંત રહેવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. પ્રારંભિક મહિનાઓ દરમિયાન, જ્યારે બચ્ચું ઊંચે ઊડી શકતું નથી, ત્યારે માદા પક્ષી તેને શિયાળ, લોમડી, બિલાડી, મંગુસ, શિકારી પક્ષીઓ તથા મોનિટર લિઝર્ડ જેવા શિકારીઓથી બચાવવાનો પ્રયાસ કરે છે. જમ્પ સ્ટાર્ટ તકનીકથી જી.આઇ.ડી.સી.ના જીવંત રહેવાના તબક્કાઓમાં વધારો થાય છે તેમજ આવી રીતે જન્મેલા બચ્ચાંને કુદરતી વિસ્તારમાં માદા ઘોરાડની સારસંભાળ મળે તેવો હેતુ છે. આ પદ્ધતિ ઈંડાંના તબક્કે શિકાર ઘટાડવામાં અસરકારક છે, પરંતુ બચ્ચાંના જન્મના તબક્કે જીવંત રહેવાની સંભાવનામાં વધારો કરતી નથી. રાજસ્થાનના અગાઉના અભ્યાસો દર્શાવે છે કે શ્રેષ્ઠ સંરક્ષણ પરિસ્થિતિઓમાં પણ માત્ર લગભગ અડધાં બચ્ચાં જ બે મહિના સુધી જીવિત રહે છે. ગુજરાતમાં આ જમ્પ સ્ટાર્ટ તકનીક અમલમાં મૂકનાર ટીમ દ્વારા ઈંડાંનું સલામત પરિવહન, માળામાં તેનું પ્રતિસ્થાપન, રિમોટ મોનિટારિંગ તથા આવાસ વ્યવસ્થાપન (પાણી અને આક્રમક પ્રજાતિઓનું નિયંત્રણ) તેમજ શિકારી પ્રાણીઓના પ્રભાવને ઓછો કરવા માટે જરૂરી કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. તેમ છતાં, શિકાર તથા કુદરતી કારણોસર થતાં મૃત્યુનાં જોખમને સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી અને તે બચ્ચાંનાં મૃત્યુનું કારણ બની શકે છે એમ શ્રી કુમારે જણાવ્યું હતું. 

Panchang

dd