ભુજ, તા. 29 : કચ્છમાં ફૂંકાયેલા વૈશાખી વાયરાએ આકરા તાપમાંથી
મામૂલી રાહત આપવા સાથે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધૂળિયો માહોલ સર્જ્યો હતો. આજે
સવારથી જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો.પવનની દિશા બદલાવા
સાથે ગતિ વધતાં અગનવર્ષાના દોરમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં મહત્તમ પારો હજુ બેથી
ત્રણ ડિગ્રી નીચે ઊતરે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભુજમાં મહત્તમ પારો ગગડીને
39.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. સપ્તાહના સમયગાળા પછી
એવું બન્યું છે કે,
જ્યારે ભુજમાં મહત્તમ પારો 40 ડિગ્રીથી નીચે ઊતર્યો હોય. અંજાર-ગાંધીધામને આવરી લેતાં
કંડલા (એ.)માં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાને મધ્યાહ્ન કાળે તાપની
આણ વર્તાયેલી જોવા મળી હતી. પવનની વધુ ઝડપના કારણે ધૂળની ડમરી ઊડી હતી. કંડલા પોર્ટમાં
39 અને નલિયામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન સામે લઘુતમ પારો 25થી 26 ડિગ્રી જેટલો ઊંચો રહેતાં રાત્રિના ભાગે લોકોએ ઉકળાટની અનુભૂતિ કરી હતી. આગામી
સપ્તાહ દરમિયાન કચ્છમાં મહત્તમ પારો 35થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના દેખાડવામાં આવી
છે. તાપના કારણે લૂ લાગવા સહિતનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધ્યું છે.