• સોમવાર, 06 એપ્રિલ, 2026

એકોક્તિ સંગ્રહ રંગકિરણનો રસાસ્વાદ કરાવે

ભુજ, તા. 5 : મધુમાસના મધુપર્ક જેવો આ ગ્રંથ સમુચ્ચય ફક્ત, મધુ જ નહીં પંચામૃતને સાથે લઈને ચાલે છે એમની નાટય સાધના અભિવ્યક્તિને અજર અમર બનાવે છે. `સફર પાંડવોની સંગાથે' કિશોરકથામાં પાંડવો  સાથેની કિશોરોની યાત્રા સમયને અતિક્રમીને ગતને અનાગત સાથે સાંકળીને નવી પેઢીને નૂતન દૃષ્ટિનું વરદાન આપે છે તેવું કાર્યક્રમના અધ્યક્ષ જયંતી જોષી `શબાબે' ઉચ્ચારીને કચ્છ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોરનાં પાંચ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે અહીં આ પુસ્તકોત્સવનો મહિમા કર્યો હતો. નાટયવિદ ડો. મહેશ ચંપકલાલે એકોક્તિસંગ્રહ `રંગકિરણ'નો રસાસ્વાદ કરાવતી વખતે એકોક્તિના સ્વરૂપનો વિશ્વસાહિત્યના સંદર્ભમાં પરિચય  આપીને બધી બાબતોનું  સંગ્રહમાં કેવી રીતે સમાયોજન થયું છે તે દર્શાવીને બધા પ્રકારની એકોક્તિઓનું નિરૂપણ સંગ્રહમાં થયું હોવાનું પ્રતિપદિત હોવાનું જણાવી અભ્યાસપૂર્ણ રીતે લખાઇ હોવાનું અને રંગમંચની પ્રસ્તુતિ માટે યોગ્ય હોવાનું કહ્યું હતું. કવિ રમણીક સોમેશ્વરે શબ્દોનું મેઘધનુષ્ય પુસ્તક્નો પરિચય આપતી વખતે હિન્દીના કવિ અજ્ઞેયને ટાંકીને કહ્યું કે, ભાષા એ તો કલ્પવૃક્ષ છે, એની પાસે તમે આસ્થાપૂર્વક કંઈ માગો તો એ જરૂર આપે છે. ભાષા પ્રત્યેની આવી અવસ્થામાંથી ઉત્તમ સાહિત્ય નીપજે છે અને એ મનુષ્યના સંવેદનતંત્રને બુઠ્ઠું થતું બચાવી લે છે. દમયંતીબેન બારોટે કચ્છી નાટકના પોતે કરેલા `હેતલ હાકલ'ના ભાવાનુવાદના સન્દર્ભમાં પોતાના અનુભવને વર્ણવ્યા હતા. ડો.  રુચિ ગોરે કિશોરકથા `સફર પાંડવોની સંગાથે'ની રસપ્રદ કથાનો આસ્વાદ કરાવ્યો હતો. ડો. કોમલ સચદેએ  કચ્છી પુસ્તક `િત્રલોક'માં સમાવિષ્ટ સાહિત્યના ત્રણ લોક, વાર્તાલોક, નિબંધલોક અને આસ્વાદલોકનો ઉદાહરણો સાથે પરિચય કરાવ્યો હતો. કાંતિ ગોરના ગુરુ ભરતભાઈ મહેતાએ કાંતિભાઈના અભ્યાસ સમયના સંઘર્ષ અને મુશ્કેલીઓની વિગતો આપી હતી. ભુજ રાજગોર સમાજના અગ્રણીઓ વિજય ગોર અને અરાવિંદ અજાણીએ ડો. કાંતિ ગોરનું અભિવાદન કર્યું હતું. જયંતી ગોર જખમીએ આવકાર આપ્યો હતો. ડો. શરદ ગોરે આભાર માન્યો હતો. કાજલબેન ઠક્કરે સંચાલન કર્યું હતું. નરેશભાઈ નાગરેચા, વરુણ  નાગરેચા, નરેન્દ્ર ગોર, ભરત ગોર અને સંદીપભાઇ બોડાએ વ્યવસ્થા સંભાળી હતી. ડો. અનિલ ગોર, શંકરભાઈ સચદે, નરેશ અંતાણી, દર્શનાબેન ધોળકિયા, હરેશ ધોળકિયા, ડો. કે. એમ ત્રિવેદી, ડો. પંકજ ઠાકર, પબુ ગઢવી, રમેશ ભટ્ટ, ગૌતમ જોશી, મધુભાઈ આચાર્ય, સંજય ઠાકર, અજિત માનસત્તા, પ્રકાશ શુકલ, રમેશ સોનપાર, આરતીબા જાડેજા, ડો. પૂર્વી ગોસ્વામી, મમતાબેન ભટ્ટ, ડો. નરેશ કારિયા, પૂજન જાની વગેરે ઉપસ્થિત  રહ્યા હતા. 

Panchang

dd