નલિયા, તા. 4 : અબડાસા તાલુકાના નલિયાથી વાયોર સુધીના મુખ્ય માર્ગ પર ખાનગી
કંપનીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કંપનીઓ દ્વારા માર્ગની સાઈડમાં વેસ્ટ સિમેન્ટ
અને કેમિકલયુક્ત કોંક્રિટનો માલ બેરોકટોક રીતે ઠાલવવામાં આવતાં અકસ્માતનું જોખમ વધ્યું
છે. રસ્તાની બાજુમાં ખડકાયેલા આ મસમોટા ઢગલાઓ હવે પથ્થર જેવા સખત થઈ ગયા હોવાથી સામસામે
આવતાં વાહનોને સાઈડ કાપવામાં ભારે મુશ્કેલી પડે છે,
જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આટલું ઓછું હોય
તેમ, કંપનીઓના બલ્કરો દ્વારા કાળી નદી અને મીઠી નદીના પુલ પરથી
જ સીધો વેસ્ટ માલ નદીના પેટાળમાં પધરાવવામાં આવી રહ્યો છે. આ ઝેરી કચરાને કારણે નદીનું
પાણી પ્રદૂષિત થવાની સાથે આગામી ચોમાસાંમાં પાણીનાં કુદરતી વહેણમાં અવરોધ ઊભો થવાની
અને ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ વાગોટથી સાંઘીપુરમ સુધીનો રસ્તો
અતિશય બિસમાર હાલતમાં છે, ત્યારે લોકોની એવી માંગ છે કે,
કંપનીઓ આ વેસ્ટ માલને નદીઓમાં ફેંકીને નુકસાન કરવાને બદલે આ બિસમાર માર્ગના
ખાડા પૂરવા માટે ઉપયોગમાં લે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઢગલાઓ દૂર કરાવી જવાબદાર
કંપનીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.