• રવિવાર, 05 એપ્રિલ, 2026

નર્મદા કેનાલ વાટે પાણી મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 4 : તાલુકાના મેરાઉ પંથકમાંથી નર્મદાની કેનાલ વાટે પાણીનાં પુન: પધરામણા થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યક્ત થઈ હતી. દરિયાઈ ખારાશ વધતાં ખેડૂતોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. મુખ્ય કેનાલનું કામ ઝડપથી પૂર્ણ થઈ જતાં ઈજનેર એમ. એમ. પરમારે જણાવ્યું હતું કે, વિતેલાં વર્ષ દરમ્યાન તાલુકામાંથી નર્મદાની નહેરના પોંખણા કરાય પછી કેનાલ વાટે પાણી વહેતાં ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સન્મુખસિંહ જાડેજા, અંબાલાલ પટેલ, દેવાંગ ગઢવી વગેરેએ જણાવ્યું હતું કે, પાંચેક મહિના પહેલાં પાણી વહેતું કરવાનો પ્રારંભ કરાયો, પરંતુ કામમાં થોડો વિલંબ થતાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પાસે રજૂઆત કરાઈ હતી, જેમાં હકારાત્મક પરિણામ મળતાં કાર્ય સફળ થયું હતું. મેરાઉ, શિરવા, ભારાપર, કાઠડા પંથક ઉપરાંત ઉત્તરીય ભાગોમાં પણ લાભ મળ્યો હતો. ઈજનેર શ્રી પરમારે આપેલી જાણકારી મુજબ કેનાલનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે, કામગીરી પ્રગતિમાં છે. ગુંદિયાળી, કોડાય, નાની-મોટી રાયણ, નાગલપર, માંડવી, દુર્ગાપુર સહિતનાં 23 ગામમાં 11196 હેકટરના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોની સમસ્યા દૂર થશે તેમજ જમીનમાંથી ભૂગર્ભ જળ ઉલેચાતું અટકતાં ખારાશ નિયંત્રિત થશે તેવા મનોરથ પ્રદર્શિત કરાયા હતા.  

Panchang

dd