ભુજ, તા. 3 : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની
સત્તાવાર જાહેરાત સાથે જ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓની
પસંદગી માટે ભાજપે હાથ ધરેલી બે દિવસીય સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા માગતા દાવેદારોનો
રાફડો ફાટયો છે. પ્રથમ દિવસની સેન્સ પ્રક્રિયામાં 669 જેટલા દાવેદારોની અરજી મળ્યા બાદ બીજા દિવસે અંજાર, ભુજ ને ગાંધીધામ ખાતે પ્રદેશથી આવેલા નિરીક્ષકો
દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં 1259 જેટલી અરજી મળી છે. અંજાર નગરપાલિકા ઉપરાંત ગાંધીધામના બે વોર્ડની
સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ મોડી રાત્રિ સુધી જારી રહ્યો હતો. ભુજમાં સેન્સની કવાયત મોડી
રાત્રે પૂરી થઇ ગઇ હતી. બે દિવસમાં ભાજપમાં ચૂંટણી લડવા માટે હજુ 1616 અરજી મળી છે. ભારતીય જનતા પાર્ટી
આયોજિત સેન્સ પ્રક્રિયા અંતર્ગત દ્વિતીય દિવસે અંજાર, ભુજ અને ગાંધીધામ ખાતે પ્રદેશથી આવેલા નિરીક્ષકો
દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંજાર ખાતે યોજાયેલ સેન્સ
પ્રક્રિયામાં મુંદરા નગરપાલિકા, મુંદરા તાલુકા અને જિલ્લા પંચાયતના
દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં સંયુક્તપણે 253 અરજી મળી હતી. કચ્છ કમલમ્ ભુજ ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં
નખત્રાણા નગરપાલિકા, નખત્રાણા તાલુકા
અને જિલ્લા પંચાયત તેમજ ભુજ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં
સંયુક્તપણે 359 અરજી પ્રાપ્ત
થઇ હતી. ભુજ નગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા ચાલુ હોતાં તેના આંકડા બાદમાં જાહેર કરવામાં
આવશે, તેવું મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની
યાદીમાં જણાવાયું છે. દરમ્યાન વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર જિ. પંચાયતની
એક બેઠક માટે 10થી 12, તા. પંચાયતની એક બેઠક માટે
છથી સાત તો પાંચ નગરપાલિકામાં પણ એક-એક બેઠક માટે ચારથી પાંચ અરજી મળી છે. જો કે, પક્ષ દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં
આ બાબતનો કોઇ સ્પષ્ટ ફોડ પાડવામાં આવ્યો નથી.