ભુજ, તા. 16 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા `વિદ્વાન વ્યાખ્યાનમાળા' અંતર્ગત ચોથો મણકો યોજાયો હતો. કુલપતિ ડો. મોહન પટેલ તથા રજિસ્ટ્રાર ડો. અનિલ
ગોરનાં માર્ગદર્શન હેઠળ `ગુજરાતી પ્રવાસ
સાહિત્ય' વિષય પર આયોજિત કાર્યક્રમમાં મુંબઇ યુનિવર્સિટીના
ગુજરાતી વિભાગના અધ્યાપક ડો. અભય દોશીએ મધ્યકાળથી અર્વાચીન યુગ સુધીના પ્રવાસ સાહિત્યની
સફર કરાવી હતી. રામાયણનો સંદર્ભ આપતાં પ્રવાસ એ માત્ર ભ્રમણ નથી, પરંતુ એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિ તરફ જવાનો રાજમાર્ગ છે, તેવું કહેતાં ગુજરાતી ભાષાના પ્રવાસ સાહિત્યના સર્જકોને યાદ કરી નવયુવાન વિદ્યાર્થીઓને
આ દિશામાં નવું સાહિત્ય સર્જન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ભાષા
વિભાગના અધ્યક્ષા ડો. કાશ્મીરાબેન મહેતાએ કચ્છના સાહસિક પ્રવાસીઓ ગોકુળદાસ તેજપાળ,
શેઠ શૂરજી વલ્લભદાસ તથા શેઠ ખીમજી રામદાસના દૃષ્ટાંતો આપી કચ્છી પ્રવાસીઓ
દ્વારા લખાયેલા પ્રવાસવર્ણનો પર સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શૈક્ષણિક
સત્રમાં લાલન કાહેલેજના મદદનીશ મહિલા પ્રાધ્યાપક નીલમબેન ગોહિલ, સ્વામિનારાયણ વિદ્યાલયના શિક્ષિકા ભક્તિબેન સુથારે પીએચ.ડી. સંશોધનની વિગતો
રજૂ કરી હતી. ડો. પ્રવીણ રથવી સહિત તજજ્ઞ સમિતિ દ્વારા મૌખિક પરીક્ષા લેવાઇ હતી. સંચાલન
રાધાબેન ડાંગરે તથા આભારવિધિ નંદિનીબેન હરસિયાણીએ કર્યા હતા. વ્યવસ્થા રામભાઇ કાગે
કરી હતી. વ્યાખ્યાનમાળામાં પીએચ.ડી. સ્કોલર્સ તથા ગુજરાતી સાહિત્યપ્રેમી છાત્રો ઉપસ્થિત
રહ્યા હતા.